અમરેલી,તા.૧૮
અમરેલીના બે શખ્સોએ સોમનાથ ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીના ફોટા સાથે અન્ય સ્ત્રીના ફોટાનું એડિટિંગ કરી અને આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી સ્વામી પાસે ૨ કરોડની ખંડણી માંગતા સ્વામીએ તુરંત પોલીસને જાણ કરતા બંને શખ્સોને અમરેલી પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ લીલીયાનો બિપિન ઉર્ફે ભૂરો રમેશ બોઘરા (ઉ.વ.૨૫) નામનો શખ્સ તેમજ તેની સાથેનો પ્રતાપ પરષોત્તમભાઈ કાછડીયા (ઉ.વ.૪૭) રહે રંગપુર સ્વામિનારાયણ મંદિર પાસે આ બંને શખ્સોએ સોમનાથ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે સેવા પૂજા કરતા એક સ્વામીના ફોટા મેળવી તે ફોટા સાથે અન્ય સ્ત્રીના ફોટા એડિટિંગ કરી સ્વામીના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને ફોટા વાયરલ નહિ કરવા માટે બિપિન બોઘરા ઉર્ફે ભૂરા એ ૬૦ લાંખ માંગી તેમજ પ્રતાપ કાછડીયા નામના શખ્સે અન્ય સ્વામી મારફત બિપિન બોઘરા ઉર્ફે ભૂરા વતી ૨ કરોડની માંગણી કરતા સ્વામીએ આવા લોકોના તાબે નહિ થઇ તુરંત અમરેલી પોલીસને જાણ કરતા અને બને સામે ફરિયાદ નોંધાવતા અમરેલી પોલીસે ખંડણી માંગનાર બંને આરોપીને સીટી ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ.મોરીએ ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ માહિતી અનુસાર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલિંગ કરી તોડ કરતી ગેંગ સક્રિય છે તે પૈકી આ બંને શખ્સો આ ગેંગના હોવાનું જાણવા મળી રહ્યું છે.