અમદાવાદ, તા.૯
જો તમારું વાહન અકસ્માતમાં ટોટલ લોસ થયું હોય અને તેને ભંગારમાં વેચવા જતા હોય ત્યારે જો તમારી પાસે ગાડીનો ભંગારની આરસી બુક સાથે આપવા માટે વધુ નાણાં આપવાની લાલચ અપાય તો ચેતી જજો કેમ કે તમારી ભંગાર ગાડીનો ચેચીસ નંબર અને ગાડી નબંર ચોરીની ગાડીમાં લગાવીને ચોરીની ગાડીઓ ફરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આવી જ રીતે ટ્રક અને ડમ્પરોની આંતરરાજ્યોમાં ચોરી કરી તેમાં ખોટા ચેચીસ નંબર લગાવી ટોટલ લોસ થયેલી ગાડીના કાગળો સાથે ટ્રક અને ડમ્પર વેચતી ગેંગના બે સાગરિતોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. ઉપરાંત તેમની પાસેથી ચોરીની ૬ ટ્રકો કબજે કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના નારોલ ખાતેથી ટ્રક અને કાર સાથે ગુરપ્રિતસિંગ ઉર્ફે તોતો લેમ્બરસિંગ ઓજલા અને અજય ઓમપ્રકાશ યાદવ (બન્ને રહે નવા નરોડા)ને પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગુરપ્રિતસિંહે કબૂલ્યું હતું કે દાણીલીમડા કબાડી માર્કેટ નંબર ૩માંથી તેમજ અન્ય રાજ્યોના જુદા જુદા લોકો પાસેથી ટોટલ લોસ થયેલી ડમ્પરના કાગળો નાણાં આપીને મેળવી લેતો હતો. ત્યારબાદ તે કાગળોના આધારે જુદા જુદા રાજ્યોમાંથી તેના સાગરિતોએ ચોરી કરેલા ટ્રક અને ડમ્પરના ઓરિઝનલ ચેચીસ નંબરો સહિતના નંબરો હેમરી વડે દૂર કરાવી ખોટા નામથી બીજા રાજ્યોમાં એનઓસી મેળવી ટ્રક અને ડમ્પરના ચેચીસ નંબર પંચીગ કરી આરટીઓમાં પાર્સિંગ કરાવી વેચી દેતા હતા. તેમજ ગુરપ્રિતસિંગ પોતે ફાઈનાન્સ કંપનીમાં સિઝર તરીકે કામ કરતો હોવાથી સિઝીંગ કરવાની ગાડીઓના માલિકો સાથે મળી સસ્તા ભાવે ગાડી ખરીદી કંપનીમાં જમા નહીં કરાવી તેની ઉપર ડુપ્લીકેટ નંબરો લગાવી અન્ય રાજ્યોમાં વેચાણ કર્યા છે. આ રીતે ૩૦થી વધુ ટ્રક અને ડમ્પરોના વેચાણ કર્યાની તેણે કબૂલાત કરી છે તો આરોપી અજય યાદવે પૂછપરછમાં કબૂલ્યું હતું કે સાગરિતો સાથે મળીને તેણે રાજસ્થાન અને ગુજરાતના ભાવનગર, હળવદ, રાજુલા, મોરબી, બાવળા સેવાલિયા સહિતના સ્થળોએથી ટ્રક અને ડમ્પરની ચોરીઓ કરી હતી જે ગુરપ્રિતસિંહની મદદથી અન્ય રાજ્યોમાં વેચી દીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ એસપી એસ.એલ.ચૌધરીની સ્કવોર્ડના પીએસઆઈ બી.એમ.દેવમુરારી, કે.એમ.બેરિયા સહિતના સ્ટાફે ભારે જહેમત બાદ બન્ને આરોપીને પકડી તેમની પાસેથી ચોરીની ટ્રકો કબજે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.