ભાવનગર, તા. ૧૮
ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ બાનુબેનની વાડી પાસે, કોળી યુવકો અને માલધારી યુવકો વચ્ચે ભારે બઘડાટી મચી જવા પામી હતી. આ ઘટના બનતા જ ડી.ડિવિઝનના પી.આઈ. રાવળ અને તેમનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પોલીસની ટીમ પહોંચે તે પહેલા જ બે શખ્સો ઉપર તલવારો, ફરશી, લોખંડના પાઈપ સાથે જીવલેણ હુમલો થઈ ચૂક્યો હતો અને બંને શખ્સોને ગંભીર હાલતે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પોલીસ ફરિયાદ મુજબ અરવિંદભાઈ બાબુલાલ રાઠોડે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે કે, માલધારી કાળુ અરજણભાઈ મેર, ચોથા અરજણભાઈ મેર, ઉત્તમ જેસીંગભાઈ મેર, રામજી પાલાભાઈ મેર, રાજુ અરજણભાઈ, રણછોડ ભગવાનભાઈ, નાજા ઉર્ફે કઢી સહિતનાએ અરવિંદભાઈ રાઠોડના ભત્રીજા ઉપર હુમલો કરેલ. આ બનાવના કારણમાં આરોપીઓ ઘર પાસે અપશબ્દો બોલતા હતા તેમાંથી આ મામલો બિચક્યો હતો.