(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૬
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના બે લોકો પર ડાક વિભાગ સાથે ૧૬ મિલિયન અમેરિકન ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. યોગેશ પટેલ અને અરવિંદ લક્કમસાણી શિકાગોના અંતરિયાળ વિસ્તારમાં એકસાથે ટપાલ મોકલનારી કંપની પ્રોડિગી મેલિંગ સર્વિસ(પીએમએસ) ચલાવે છે. તેમણે આ છેતરપિંડી અમેરિકી શખ્સ ડેવિડ ગર્ગનો સાથે મળીને કરી હતી. આરોપો અનુસાર યોગેશ પટેલ અને અરવિંદ લક્કમસાણીએ નકલી દસ્તાવેજ બનાવી અને ગુપચુપ રીતે યુનાઇટેડ સ્ટેટ પોસ્ટલ સર્વિસ(યુએસપીએસ)ના સીલનો ઉપયોગ કરી આ છેતરપિંડી આચરી છે. તેમણે આ રીતે આઠ કરોડ ટપાલના ખર્ચની ચુકવણીને પ્રમાણિત કરી લીધી હતી. તેમની પાસે સીલ સુધી પહોંચ બનાવવા માટેનું કોડ પણ હતું. તેઓ વેરિફિકેશન ફોર્મ્સ પર યુએસપીએસના કલાર્કના નકલી દસ્તાવેજ બનાવી લેતા હતા. આ તમામ છેતરપિંજી ૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે કરવામાં આવી હતી. સમાચાર એજન્સીએ અમેરિકાની એટોર્ની ઓફિસના હવાલાથી જણાવ્યું હતું કે, ગર્ગનો ડાયરેક્ટ મેલ રિસોર્સ ઇન્કનો માલિક છે. તેનું કામ ગ્રાહકોને એક સાથે ટપાલ મોકલવાની સેવાઓ આપનારી કંપનીઓ સાથે મુલાકાત કરાવવાનું હતું. પીએમએસ એવી જ એક કંપની હતી. ગર્ગનોએ બે એનર્જી કંપનીઓને આ કંપનીની સેવાઓ અપાઇ હતી.