(એજન્સી) સુકમા, તા.ર૬
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં પોલીસની ટીમે નવ નક્સલીઓને ઠાર કરી દીધા છે. જોકે આ અથડામણમાં ૨ પોલીસ જવાન પણ શહીદ થઈ ગયા છે. રાજ્યમાં નક્સલી વિરોધી અભિયાનમાં વિશેષ પોલીસ મહાનિર્દેશક ડીએમ અવસ્થીએ સોમવારે જણાવ્યું કે, સુક્મા જિલ્લાના કિસ્ટારામ પોલીસ ક્ષેત્રે અંતર્ગત તેલંગાણા સીમા નજીક પોલીસની જોઈન્ટ ટીમે નક્સલ વિરોધી અભિયાન ’પ્રહાર ચાર’ દરમિયાન નવ નક્સલીઓને ઠાર કરી દીધા છે. આ ઘટનામાં ડીઆરજીના બે જવાન પણ શહીદ થયા છે. માહિતી અનુસાર કિસ્ટારામ થાણા ક્ષેત્રમાં આવેલા સાકલેરમાં સવારે આઠ વાગે આ અથડામણ શરુ થઇ હતી અને તે હજુ સુધી ચાલી રહી છે. આ ઘટનાસ્થળેથી સ્પષ્ટ જાણકારી હજુ પ્રાપ્ત થવી બાકી છે. સુકમા જિલ્લાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અભિષેક મીનાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હજુ આ વિસ્તારમાં ફાયરિંગ ચાલુ છે અને અત્યારે કોઈ વધુ જાણકારી આપવી શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે આજે સુકમાના ચિંતાગુફામાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ થઇ હતી અને એક નક્સલીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પહેલા છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમામાં પોલીસ અને નક્સલીઓ સાથે થયેલ અથડામણમાં એક નક્સલી ઠાર કરાય હતો. જ્યારે એક અન્ય ઓપરેશનમાં નક્સલીઓ પ્રભાવિત સુકમા જિલ્લામાં એક દારૂગોળો ભરેલી ટનલમાં વિસ્ફોટ થતા એક પોલીસ જવાન શહીદ થયા હતા તેમજ અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ગૃહ મંત્રાલયના રિપોર્ટ અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆત સુધી ૯ રાજ્યોમાં ૧૭૭થી વધારે નક્સલીઓને સેનાએ ઠાર કર્યા છે. સાથે જ ૧૨૭૪ નક્સલીઓને સેનાએ જુદા-જુદા રાજ્યોમાં ધરપકડ કરી છે. મંત્રાલયના રિપોર્ટ અનુસાર ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી નક્સલીઓએ સેના સામે સરેન્ડર કર્યું છે.