(સંવાદદાતા દ્વારા)
પાલિતાણા, તા.પ
ભાવનગરના પાલિતાણામાં દારૂ પીને ગાળો બોલતા શખ્સને રહેણાંક વિસ્તારમાં અપશબ્દો નહીં ઉચ્ચારવા ટપારતા રાજાપાઠમાં આવેલ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ૩પ જેટલા મિત્રો અને સ્વજનો મારક હથિયારો સાથે તૂટી પડતાં ચાર શખ્સોને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેઓને વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે તળાવ વિસ્તારમાં રહેતા ઈબ્રાહિમભાઈ જમાતીભાઈ બીલખિયાના ઘર પાસેથી દારૂ પી ગાળો બોલવાની ના પાડતા દેવિપૂજક સમાજના યુવાને ઉશ્કેરાઈને પોતાના પરિવારજનોને બોલાવી ટીકુભાઈ ઈબ્રાહિમભાઈ બીલખિયા, ઈમરાનભાઈ ઈબ્રાહિમભાઈ બીલખિયા, ઈબ્રાહિમભાઈ જમાતીભાઈ બીલખિયા, મોહસિન મહંમદભાઈ ડેરૈયા પર ૩પ જેટલા લોકોએ ધારિયા, લાકડી, પાઈપ વડે હુમલો કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં મહંમદભાઈ ઈબ્રાહિમભાઈ બીલખિયા (ઉ.વ.૩૫), ઈબ્રાહિમભાઈ (ઉ.વ.૫૫), મોહસિન ડેરૈયા (ઉ.વ.રર)ને ખસેડવામાં આવેલા, જ્યાં તેમની સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઈને પાલિતાણા પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને બનાવની તપાસ હાથ ધરી છે.