(સંવાદદાતા દ્વારા) આણંદ,તા. ૨૧
આણંદ જિલ્લાનાં બોરસદની સબજેલમાંથી આજે સાંજનાં સુમારે બે કેદીઓ ૨૦ ફુટ ઉંચી દિવાલ કુદીને ભાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો છે, કેદીઓ ભાગી જવાની ધટનાને લઈને સબજેલની સુરક્ષામાં રહેલી ખામીઓ બહાર આવી છે, તેમજ માત્ર ૨૧ દિવસનાં સમયમાં કેદીઓ ભાગી જવાની આ બીજી ધટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી વિગતો અનુસાર બોરસદની સબજેલમાં રાખવામાં આવેલા કેદીઓને આજે સાંજનાં સુમારે ન્હાવા માટે બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, અને કેદીઓ બાથરૂમમાં ન્હાવા ગયા હતા જયારે બીજા કેદીઓ ન્હાવા માટે પોતાનાં વારાની રાહ જોઈ બેઠા હતા ત્યારે બે કેદીઆ જેલગાર્ડની નજર ચુકવીને બેરેકની પાછળ આવેલી જેલની ૨૦ ફુટ ઉંચી દિવાલ કુદીને ફરાર થઈ ગયા હતા.
ધરફોડ ચોરીનાં ગુનામાં ઝડપાયેલા અરવિંદ ભાઈલાલભાઈ તંબોળીયા રહે, ભાનપુર દાહોદ અને અપહરણ, દુષ્કર્મનાં ગુનામાં ઝડપાયેલા ઈમરાનશા સિંકદરશા દિવાન રહે, કણભા તા,બોરસદને જયુડીશલ કોર્ટએ બોરસદની સબજેલમાં મોકલી આપ્યા હોઈ છેલ્લા કેટલાક દિવસોથી બન્ને જણા કાચા કામનાં કેદી તરીકે સબજેલમાં બંધ હતા.
કેદીઓ દ્વારા ન્હાઈ લીધા બાદ કેદીઓને બેરેકમાં પાછા બંધ કરતી સમયે બેરેક નં.૩ અને ૪માં રાખવામાં આવેલા બન્ને કેદીઓ નહી દેખાતા જેલગાર્ડ દ્વારા બન્ને કેદીઓની શોધખોળ કરાતા બન્ને કેદીઓ જેલની દિવાલ કુદી ફરાર થઈ ગયા હોવાનું જણાતા જેલગાર્ડ દ્વારા બોરસદ ટાઉન પોલીસ અને જેલ સુપ્રીટેન્ડન્ટને જાણ કરવામાં આવતા તેઓ સબજેલમાં દોડી ગયા હતા અને ફરાર થયેલા બન્ને કેદીઓને ઝડપી પાડવા માટે પોલીસની જુદી જુદી ટીમોને રવાનાં કરવામાં આવી છે,
ગત ૩૧મી જુલાઈનાં રોજ એક કેદી જેલગાર્ડને ધક્કો મારી જેલમાંથી ભાગી છુટયો હતો,જયારે વર્ષ ૨૦૧૪માં ૧૦ જેટલા કેદીઓ દ્વારા બે જેલગાર્ડને રાઈફલનાં બટ વડે માર મારી ધાયલ કરી ફરાર થઈ ગયા હતા,આમ આ સબજેલમાંથી કેદીઓ ભાગી જવાની ધટનાઓને લઈને બોરસદની સબજેલ ફરી એકવાર વિવાદમાં આવી છે, અને જેલની સુરક્ષામાં રહેલા છીંડાઓ બહાર આવ્યા છે.