ભાવનગર, તા. ૩૦
તળાજા-મહુવા હાઈવે આજે ફરી બે પંદર વર્ષીય કિશોરના મોતને લઈ રાત્રીના સમયે રક્તરંજીત બન્યો છે.
અજાણ્યો વાહન ચાલક શહેરથી એકાદ કિ.મી. દૂર બાઈક સવાર બે યુવાનો મળી ત્રણ કિશોર સાથે અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો છે. મૃતક બંને યુવાનો તળાજાના કાળી પરિવારના છે. ગંભીર ઈજાગ્રસ્ત રાજૂલા નજીકનો છે. તેને ભાવનગર રીફર કરવામાં આવેલ છે.
અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનાની તળાજા રેફરલ હોસ્પિટલ પરથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર શહેરના દિનદયાળ નગર વિસ્તારમાં રહેતા પવન મુકેશભાઈ શિયાળ (ઉ.વ.૧પ) તથા નજીકમાં આવેલ ડૉ. ચૌહાણની વાડીમાં રહેતા નિતીન નરશીભાઈ ભાલિયા (ઉ.વ.૧પ) બાઈક નં. જીજે-૦૪-ડીસી-૮૩૬૭ પર દૂધ લઈ આવતા હતા. રાત્રીના લગભગ આઠેક વાગ્યાના આ સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર કિશોર સાથે અન્ય એક યુવાન હાર્દિક બટુકભાઈ સોલંકીને સાથે અકસ્માત સર્જી વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં તળાજાના બંને કિશોરના કમકમાટી ભર્યા મોત થયા હતા. જેમાં પવન મુકેશભાઈ શિયાળ ધો. ૯માં આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળેલ છે.
બનાવને લઈ ઈજાગ્રસ્ત અને મૃતકને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં કોળી સમાજ સહિત દરેક સમાજના સેવાભાવી લોકો દોડી આવ્યા હતા. મુસ્લિમ સમાજના યુવાનો પણ સેવામાં જોડાયા હતા. તળાજામાં આવી દુઃખદ ઘટનાના સમયે કોમી એકતા સાથે માનવતાના દર્શન થતા જોવા મળે છે.
અકસ્માત કઈ રીતે સર્જાયો, બાઈક સવારો સહિતની વિગતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાશે.