(સંવાદદાતા દ્વારા) ઉના, તા.ર૩
નવાંબદર ગામના બંદર પર ફિસીંગ કરતી બોટોની સંખ્યા જેટીની ક્ષમતા કરતા વધુ હોય અને આજુબાજુના કાંઠા પર બોટ લંગારવાની વ્યવસ્થા પણ વર્ષોથી કરાયેલ નથી. આ વિસ્તારના માછીમારોની કિંમતી બોટ વારંવાર કાંઠાની જેટી પર ભટકાઇ તૂટી જતી હોય અને એક બીજી બોટ દરિયાના ઉછળતા મોજાની થપાટોના કારણે દોરડા તોડી દરિયામાં ચાલી જતી હોય અને જેટી સામે આવેલા દરિયા કાંઠાની ભેખાડામાં ભરાઇ જવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન બોટ માલિકોને સહન કરવું પડે છે. આ બંદર પર આવેલ જેટીની સમસ્યા હલ કરવા અને બોટ લંગારવા ઓટલા બાંધવાની વર્ષોથી માગણી થતી હોય રાજ્ય સરકારએ આ વિસ્તારના બંદરોને નવીકરણ કરવા તેમજ નવી જેટી બનાવવા અંગે બજેટ ફાળવેલ હોય અને ટેન્ડર પણ બહાર પડી ગયા હોય અને જેટીનું કામ કરવા એજન્સીની પણ નિમણૂક કરાયેલ હોવા છતાં છેલ્લા એક દાયકાથી માછીમારોને ઠાલા વચનો અપાઇ રહ્યા છે. પરંતુ જેટીની કામગીરી શરૂ કરાતી ન હોવાના કારણે માછીમારોની પરીસ્થિતિ દિનપ્રતિદીન ખરાબ થઈ રહી છે.
નવાબંદર ગામના રામાભાઇ સામતભાઇ સોલંકીની માલીકીની કિંમતી બોટ બંદરની જેટી પર લંગારેલ હતી. અચાનક દરીયાનું મોજુ આવી ચડતા જેટી પરથી બોટના દોરડા તુટી જતાં બોટ ઊંડા પાણીમાં બે માછીમાર સાથે તણાઇ દરિયાના ઊંચા ભાખોડામાં ભરાઇ જતાં ૨૦૦ જેટલા માછીમાર યુવાનો અને ૨૦ જેટલી બોટ દરિયાના ઊંડા પાણીમાં મોકલી આ બોટ અને તેમાં રહેલા માછીમારને સલામત રીતે બહાર કાડઢવામાં આવેલ હતા. આ બોટમાં ભારે નુકસાન થવા પામેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે માછીમારોએ પોર્ટ અધિકારી અને ફિસરીઝ ડીપાર્ટ મેન્ટ અને સરકાર સામે રોષ વ્યક્ત કરી માછીમારોને નુકસાનીમાંથી બચાવવા બંદરની જેટીનું કામ શરૂ કરવા માગણી ઉઠી છે.