(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
ભારતીય લશ્કરનું એક ચીત્તા હેલિકોપ્ટર ભૂટાનમાં તૂટી પડ્યું છે જેમાં સવાર બે પાયલટના મોત થયા છે. સૂત્રોના મતે આ દુર્ઘટનામાં શહીદ થયેલા બન્ને પાયલટ પૈકી એક લેફ્ટનન્ટ કર્નલ અધિકારી છે જ્યારે બીજો ભૂટાનનો પાયલટ હતો જે ભારતીય લશ્કર સાથે તાલીમ લઈ રહ્યો હતો. આ ઘટના બપોરના એક વાગ્યા આસપાસની છે જ્યારે હેલિકોપ્ટર સાથે એકાએક સંપર્ક તૂટી ગયો હતો. ચીત્તાએ ખિરમૂ (અરુણાચલ પ્રદેશ)થી યોંગફુલ્લા માટે ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર તૂટી પડ્યા બાદ તેના કાટમાળના સ્થળ અંગે જાણકારી મેળવવામાં આવી છે.
૮૦ના દાયકામાં ઉપયોગમાં લેવાતા ચીત્તા હેલિકોપ્ટરને હવે ‘ડેથ ટ્રેપ’ તરીકે ઓળખવામાં આવે છે. લશ્કરના અધિકારીઓ લાંબા સમયથી આ હેલિકોપ્ટરને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ હેલિકોપ્ટર આજે પણ ૬૦ના દાયકાની ટેક્નોલોજીથી ઉડાન ભરી રહ્યા છે. ચીત્તા હેલિકોપ્ટર નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમય થયો છતા સેવારત છે.
સેનામાં લગભગ ૧૭૦ ચીત્તા અને ચેતક હેલિકોપ્ટર છે. ૧૯૯૦માં તેમનું ઉત્પાદન અટકાવાયું હતું. ફ્રાન્સની જે સરકારી કંપનીના લાયસન્સ ઉપર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ હેલિકોપ્ટર બનાવ્યા હતા તે ૨૦૦૦ના વર્ષથી બંધ થઈ ગઈ છે. ભારતીય લશ્કરમાં તાજેતરમાં જ આઠ અપાચે હેલિકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.