(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સુરતના હજીરા પાસે આવેલા મોરાગામમાં ચેકની લેવડ દેવડને લઇને બે સિકયુરિટી ગનમેન વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં એક ગનમેને પોતાની રાઇફલમાંથી બીજા ગનમેન પર બે રાઉન્ડ ફાયરીંગ કરી શરીરે ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો.જેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હજીરાના મોરાગામમાં જીઆઇડીએસ સિક્યુરિટી કંપનીના ગનમેનો મોરા સાંઇ સુરક્ષા ભવનમાં રહે છે.ગત રવિવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ ગનમેન નરેન્દ્રસિંગ તોમર, અને રામપ્રસાદ કેશવ પ્રસાદ સિંગ વચ્ચે ચેકની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો. જેમાં નરેન્દ્રસિંગ તોમરે ઉશ્કેરાઇને સાથી કર્મચારી રામપ્રસાદ સિંગ પર પોતાની રાઇફલમાંથી પેટના ભાગે બે રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું.બંને ગોળીઓ રામપ્રસાદ સિંગના પેટમાંથી આરપાર નિકળી ગઇ હતી. ઇજાગ્રસ્ત રામપ્રસાદને નવીસિવિલ હોસ્પટિલમાં લઇ જવાયો હતો. બનાવની જાણ થતા ઇચ્છાપોર પી.આઇ. ફિરોઝખાન પઠાણ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ફાયરિંગ કરનાર ગનમેન નરેન્દ્રસિંગ તોમરને પણ અટકમાં લઇ લીધો હતો.