(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, કોઈ ચા વાળાની દુકાન પરથી તમે ઈન્ટરનેટ ખરીદી શકશો. એ પણ માત્ર ર રૂપિયામાં થોડા દિવસો અગાઉ તો તમને આનો ખ્યાલ પણ નહીં આવ્યો હોય, પરંતુ બેંગ્લુરૂના વાયરલેસ નેટવર્ક સ્ટાર્ટઅપ વાઈફાઈ ડબ્બાએ આની શરૂઆત કરીને ધમાલ મચાવી દીધી છે.
સસ્તુ ઈન્ટરનેટ આપનારી જિયોને આ સ્ટાર્ટઅપ ટક્કર આપી રહ્યું છે. આને કારણે જ તમે બેંગ્લુરૂમાં ઘણી ચાની દુકાનો પરથી અને ભાડેથી માત્ર ર રૂપિયામાં ઈન્ટરનેટ ખરીદી શકો છો. જે સમયે રિલાયન્સ જિયોએ ફ્રી ઈન્ટરનેટ આપવાનું શરૂ કર્યું, તે સમયે વાઈફાઈ ડબ્બાએ શરૂઆતના દિવસોમાં જ પોતાની ઓળખ મેળવી લીધી હતી. હાલ તો આ સ્ટાર્ટઅપ બેંગ્લુરૂના ઘણા શહેરોમાં ર રૂપિયામાં ઈન્ટરનેટની સેવા પૂરું પાડી રહ્યું છે. પરંતુ આજે લોકોને બે રૂપિયામાં ઈન્ટરનેટ આપનારા આ સ્ટાર્ટઅપની શરૂઆત ઘણી અસફળતાઓ બાદ થઈ છે.
વાઈફાઈ ડબ્બાની શરૂઆત શુભેન્દુ શર્મા અને કરમ લક્ષ્મણે કરી હતી. શુભેન્દુએ જણાવ્યું કે, વાઈફાઈ ડબ્બા ૬ વર્ષોની અસફળતા અને ૩૩થી વધુ એપ શરૂ કરીને બંધ થયા પછી મળેલી સફળતાનું સ્વરૂપ છે. ગત ૬ વર્ષો દરમિયાન અમે શીખ્યું કે, અમારે એ લોકો માટે કંઈક કરવાની જરૂરિયાત છે. જે આજે પણ ઈન્ટરનેટથી વંચિત છે. શુભેન્દુએ કહ્યું કે, કરમની સાથે વાઈફાઈ ડબ્બા એ તેમનું ત્રીજું સ્ટાર્ટઅપ છે.