(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
શહેરના ઉધના ઉદ્યોગનગરમાં આવેલ એજન્સીમાં નોકરી કરતા બે સેલ્સમેન રૂપિયા ૨૨ લાખ વેપારીઓએ પાસેથી ઉઘરાવી બારોબાર વાપરી નાખી એજન્સીના માલિક સાથે છેતરપિંડી કરતા પોલીસે બંને સેલ્સમેનની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાજપોર પાણીની ટાંકી પાસે ઉતારા મહોલ્લામાં રહેતા જિતેન્દ્ર ગીરીરાજ અગ્રવાલ હાલ હિન્દુસ્તાન યુનિવર લિ. કંપનીની એજન્સી ઉધના ઉદ્યોગનગર રોડ નં. ૬ પર લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં રાધે સેલ્સના નામે એજન્સી ધરાવે છે. તેમની એજન્સીમાં કામ કરતા સેલ્સમેન મનિષ કાલિચરણ ગુપ્તા અને ચકોર રામચંદ્ર દેશપાંડે ગત એપ્રિલ મહિનાથી જુલાઈ મહિના દરમિયાન બહાર અલગ-અલગ પાર્ટીઓ પાસેથી રૂપિયા ૨૨ લાખ ઉઘરાવી બારોબાર વાપરી નાખ્યા હતા. ગત પહેલી તારીખે એજન્સીના માલિક જિતેન્દ્ર અગ્રવાલે હિસાબ ચેક કરતા ઘટનાની જાણ થઈ હતી. જેથી જિતેન્દ્રએ મંગળવારે ઉધના પોલીસને જાણ કરતા પોલીસે પણ છેતરપિંડીનો ગુનો નોંધી બંને ઠગ શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.