(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસે મહી નદીમાં ન્હાવા ગયેલ કોલેજનાં બે વિદ્યાર્થીઓ ડુબી ગયા હતા. એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતાં સુરતનાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રીજા મિત્રને બુમાબુમ કરી મુકતા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી. જેમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય વિદ્યાર્થીની શોધખોળ ચાલું છે. આ બનાવને પગલે સાવલી મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટી-૨માં રહેતાં હાર્દિક દાગજીભાઇ કલસરીયા (ઉ.વ.૨૧) તથા વરાછા વિસ્તારની ખાડીયા સોસાયટીમાં રહેતો નિતીન ધીરૂભાઇ વાળંદ (ઉ.વ.૨૨) એમ.એસ.યુનિ.માં એન્જીનિયરીંગ શાખામાં અભ્યાસ કરે છે. આજે નિતીન તથા હાર્દિક અન્ય એક મિત્ર સાથે બાઇક લઇ સાવલી તાલુકાનાં લાછનપુર ગામ પાસેથી પસાર થતી નદીમાં ન્હાવા ગયા હતા. ત્રણેય મિત્રો ન્હાઇ રહ્યાં હતા. તે વખતે નિતીન ઉંડા પાણીમાં ડુબવા લાગ્યો હતો. જેને જોઇને હાર્દિક તેને બચાવવા ગયો હતો. જોત જોતામાં બંને મિત્રો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેથી ત્રીજા મિત્રને બુમાબુમ કરી મુકી હતી. બુમો સાંભળી સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. પાણીમાં લાપતા બનેલ બંને મિત્રોની શોધખોળ આદરી હતી.
આજે બપોરનાં સમયે બનેલ આ દુર્ઘટનામાં હાર્દિકનો મૃતદેહ થોડીવાર જ મળી આવ્યો હતો. નિતીનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. કોલેજનાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ડુબ્યા હોવાની જાણ થતા સાવલીના મામલતદાર જી.એસ.બારીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે ત્રીજા મિત્ર પાસેથી જાત માહિતી મેળવી સાવલી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલ પોલીસે હાર્દિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બનાવની જાણ સુરત ખાતે બંને વિદ્યાર્થીઓનાં પરિવારજનોને કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.