(એજન્સી) શ્રીનગર, તા. ૧૦
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં દેખાવ કરી રહેલા નાગરિકો પર સલામતી દળોએ આડેધડ ગોળીબાર કરતા એક યુવકનું મોત થયું હતું જ્યારે ૧૩૫ જેટલા નાગરિકો ઘવાયા છે. સલામતી દળોને માહિતી મળી હતી કે, વિસ્તારમાં બે ઉગ્રવાદી છૂપાયા છે તેથી તેમણે તેમને શોધવા અભિયાન હાથ ધર્યું હતું આ દરમિયાન સામ-સામે ગોળીબાર થતા બંને ઉગ્રવાદી ઠાર થયા હતા જોકે, સાથે જ બે સલામતી દળોના જવાનોને પણ ઇજાઓ થઇ હતી. કુંડાલનમાં ઉગ્રવાદીઓ છૂપાયા હોવાની બાતમી બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બંને તરફથી ગોળીબારમા રમઝટ થઇ હતી. અધિકારીએ જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન ઉગ્રવાદીઓએ ગોળીબાર કરતા એન્કાઉન્ટરમાં ફેરવાઇ ગયું હતું. અધિકારીએ કહ્યું કે, ગોળીબારમાં એક જવાન પણ ઘવાયો હતો. દરમિયાન સલામતી દળોના ગોળીબારનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમની સામે પથ્થરબાજી કરી હતી.
શોપિયાંના મુખ્ય મેડીકલ અધિકારી ડો. અબ્દુલ રશીદે કહ્યું કે, શોપિયાંના હરમનની હોસ્પિટલમાં ૧૨૩ નાગરિકોને સારવાર માટે લવાયા હતા. આ લોકોમાંથી છને ગોળીની ઇજા થઇ છે જ્યારે ૧૭ યુવકોને પેલેટ ગનની ગોળીઓ વાગી છે. આ તમામને શ્રીનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલાયા છે. બીજી તરફ ૧૭માંથી ૧૪ યુવકોને આંખના ભાગે પેલેટ ગનની ગોળીઓ વાગી છે. તેમણે કહ્યું કે, આંખમાં એકને ગોળી વાગી છે. આ તમામને પણ શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરક્ષા દળો સાથે અથડામણમાં પુત્ર ફસાયો
હોવાનું જાણવા મળતાં પિતાનું હાર્ટ એટેકથી મોત

કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સલામતી દળો સાથે ચાલીરહેલી અથડામણોમાં પોતાનો પુત્ર ફસાયો હોવાની જાણ થતા મંગળવારે પિતાને હાર્ટ એટેક આવતા તેઓ મોતને ભેટ્યા હતા. અહેવાલો અનુસાર ઉગ્રવાદીઓ સાથે તાજેતરમાં જ સામેલ થયેલા ઝીનતના પિતા મુહમ્મદ ઇશાક નાઇકૂને જાણ થઇ હતી કે, તેમનો પુત્ર કુંદાનાલન ગામમાં સલામતી દળો સાથેની અથડામણમાં ફસાયો છે ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હુમલા બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે, ડોક્ટરોએ ત્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કર્યા હતા. સવારે ગામમાં ઉગ્રવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળતા તેમને પડકારવા માટે ગયેલા સલામતી દળોના જુનિયર કમાન્ડન્ટ ઓફિસર સહિત ૪૪ રાઇફલ્સના બે જવાનો ગોળીબારમાં ઘવાયા હતા. ઘવાયેલા જવાનોને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.