(સંવાદદાતા દ્વારા)વડોદરા, તા.૧૮
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગંદકીના પગલે બે વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા જાતે કચરો સાફ કરી કચરો થેલામાં ભરી રજિસ્ટ્રારની ઓફિસ બહાર ઠાલવી દેવાના બનાવમાં બંને વિદ્યાર્થીઓને સત્તાધીશો દ્વારા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાતા આજે વિદ્યાર્થી સંગઠનો દ્વારા હેડ ઓફિસે “મોદી સફાઈ કરે તો વિકાસ, વિદ્યાર્થી કરે તો વિનાશ…”ના નારા સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હોસ્ટેલમાં સાફ-સફાઈ ન કરાતી હોવાથી કચરો તથા ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા જી.એસ. કશ્યપ ઠક્કર સહિત બે વિદ્યાર્થીઓએ જાતે ગ્લેસ હોસ્ટેલમાં સફાઈ કરી તમામ કચરો થેલામાં ભરી કચરો યુનિ. હેડ ઓફિસે લઈ જઈ રજિસ્ટ્રાર કચેરી બહાર ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. બનાવને પગલે સ્તબ્ધ બનેલા યુનિ.સત્તાધીશો દ્વારા બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો મનસ્વી ફરમાન જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આજે એનએસયુઆઈ પ્રમુખ ઝુબેરખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયનના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ બહાર ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશર્ન કર્યું હતું. વિદ્યાર્થીઓનો રોષ જોઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જો કે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી તાત્કાલિક બંને વિદ્યાર્થીઓના સસ્પેન્શન તાત્કાલિક રદ કરવા ઉગ્ર માગણી કરી રજૂઆત કરી હતી.
બે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતા NSUI દ્વારા સૂત્રોચ્ચાર : સસ્પેન્શન રદ કરવા રજૂઆત

Recent Comments