(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
બારડોલી તાલુકાના સુરાલી ધારિયા ઓવારા ખાતે રહેતા બે યુવકો બાઈક પર મઢી કામ અર્થે ગયા હતાં. જ્યાંથી પરત ફરતી વેળા મઢીના કૈલાસનગર ગામે ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રકનું પાછળનું વ્હીલ ફરી જતાં બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલીના ધારિયા ઓવારા ખાતે રહેતા વિનેદભાઈ પરભુભાઈ ચૌધરી અને કિરણભાઈ મગનભાઈ ચૌધરી કામ અર્થે જીજે-૧૯-એકયુ-૬૦૩૨નંબરની બાઈક પર મઢી ખાતે ગયા હતા. જ્યાંથી કામ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે મઢીથી બાજીપુરા જતા રોડ પર મઢી ગામની સીમમાં કૈલાસનગર સામે જીજે-૧૨-એ વાય-૮૭૬૫ નંબરની એક ટ્રક ના ચાલકે આગળ ચાલતી બાઈકને અડફેટમાં લેતા બંને યુવકો રોડ પર પટકાયા હતાં. ત્યારબાદ બંનેના માથા પરથી ટ્રકનું પાછળનું વ્હિલ ફરી જતાં બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. બંને યુવકો સુરાલીના ધારિયા ઓવારા ફળિયામાં રહેતા હતાં. બંને યુવકો એક જ ફળિયામાં રહેતા ફળિયામાં ગમગીન વાતાવરણ છવાઈ જતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.