(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્રીની ભાજપ સરકારની મજૂરવિરોધી નીતિ સામે દેશભરના ૧૦ ટ્રેડ યુનિયનોના ૧પ૦ મિલિયન (ર૦ કરોડ) કર્મચારીઓએ મંગળવારે દેશવ્યાપી બે દિવસની હડતાળનો પ્રારંભ કર્યો છે. તેમની ફરિયાદ છે કે મોદી સરકારે ર૦૧૪માં આપેલા વચનો પૂરા કર્યા નથી, બેંકોના વિલિનીકરણ પછી સર્જાયેલી સમસ્યાઓ દૂર કરી નથી. તેમજ રોજગારીમાં વધારો થતો નથી. જેની સામે મજૂર અને કર્મચારી સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરી હતી. હડતાલની અસર આસામ, મેઘાલય, મણિપુર, બિહાર, ગોવા, રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણામાં જોવા મળી હતી. હાલમાં દેશમાં સરકાર હસ્તકના એકમો માંદા ચાલી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મંત્રી અમરજીત કૌરે કહ્યું કે ઔદ્યોગિક ક્ષેત્રે હડતાલની અસર જોવા મળી હતી. મોટાભાગના ક્ષેત્રોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. કામદાર સંઘોએ મજૂર વિરોધી કાનૂનો પરત ખેંચવા માગણી કરી છે. તેમણે માગણી કરી છે કે કામદારોને સોશિયલ સિકયુરિટી આપી ખેડૂતોને ૬ હજાર રૂપિયા માસિક પેન્શન આપવું જોઈએ. બેંકો પણ હડતાળમાં જોડાઈ હતી. ખેડૂતો પણ હડતાળને સમર્થન કરી રહ્યા છે. આદિવાસી ભૂમિ અધિકાર સંઘ અને સરકારી સંઘો હડતાળમાંં જોડાયા હતા. બંગાળ અને કેરળમાં બંધની અસર વ્યાપક રહેશે જ્યાં ડાબેરીઓનું પ્રભુત્વ છે. કેરળ હોટલ સંઘ, ટેક્ષટાઈલ સંઘ, ટ્રાવેલ સંઘ બેંકર્સ હડતાલમાં સામેલ નહીં થવાનું જણાવ્યું છે. ડાબેરી નેતા હન્નાન મોહલ્લાહે કહ્યું કે ઓલ ઈન્ડિયા કિસાન સંઘ, ભૂમિ અધિકાર સંઘ બંધમાં જોડાશે. ટ્રેડ યુનિયન રેલ સડક-રોકો આંદોલન કરશે. આ કદમ મોદી સરકારી ગ્રામીણ સંકટની સમસ્યાઓ દૂર કરવામાં નિષ્ફળતાના વિરોધમાં છે.