(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૨
શહેરનાં બદામડી બાગ પાસેનાં ફુટપાથ પર જીવન ગુજારતા યુવાનનું મોત થયા બાદ અંતિમ વિધિનાં રૂપિયા ન હોવાથી બહેન પોતાના ભાઇનો મૃતદેહ લઇને ૨૦ કલાક સુધી ફુટપાથ પર બેસી રહેતાં જાણે માનવતા મરી પરવારી હોઇ તેવા દ્રશ્યો સર્જાયા હતા. ૨૦ કલાક બાદ એક સેવાભાવી વ્યકિતએ મદદ કરતાં યુવકનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મળતી વિગતો અનુસાર વડોદરા કોર્પોરેશન દ્વારા ૨૦૦૬ નાં વર્ષમાં સ્માર્ટ સીટી અંતર્ગત બાપોદ જકાતનાકા વિસ્તારનાં ઝુપડા દુર કરવામાં આવ્યા હતા. જેમાં ૪૫ વર્ષીય રાજુભાઇ પ્રવિણભાઇ જાદવ ઝુપડુ પણ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજુભાઇ પોતાની બહેન સંગીતા અને સાળા મનોજ સાથે બદામડીબાગ પાસેનાં ફુટપાથ પર રહેવા લાગ્યા હતા. તેમજ છુટક મજુરી કામ કરી જીવન ગુજારી રહ્યાં હતા. છેલ્લાં ઘણા દિવસથી રાજુભાઇ જાદવની તબિયત ખરાબ હોવાથી યોગ્ય સારવાર ન મળતાં તેમનું મોત નિપજ્યું હતું. રાજુભાઇની મોત નિપજતા બહેન સંગીતા અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાથી ચિંતાતૂર બની હતી. નાણાંના અભાવે અંતિમ વિધિ થાય નહીં તેવી પરિસ્થિતિ હોવાથી સંગીતાબેન આખીરાત સહિત ૨૦ કલાક સુધી ભાઇનો મૃતદેહ લઇ ફુટપાથ પર બેસી રહી હતી. દરમ્યાન બદામડીબાગ પાસેથી પસાર થઇ રહેલ એક રાહદારીની નજર ભાઇના મૃતદેહ સાથે આક્રંદ કરી રહેલા સંગીતાબેન પર પડી હતી. આ યુવાન ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયરબ્રિગેડ પણ પહોંચ્યુ ન હતું. બનાવ અંગેની જાણ થતા શહેરના સેવાભાવી વ્યકિત જયોતિર્નાથ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમજ એક ટ્રસ્ટની મદદથી મૃતકની અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી આપી હતી. બનાવની જાણ થતા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા તથા મૃતકને પુષ્પાંજલી અર્પણ કરી મૃતદેહને ખાસવાડી સ્મશાન લઇ જઇ તેમના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.