(એજન્સી) અલ્હાબાદ, તા.૧૦
અલ્હાબાદમાં કલેક્ટર કચેરી તરફ જઈ રહેલા ૪પ વર્ષના એક વકીલને બે અજાણ્યા બાઈક સવાર હુમલાખોરો ધોળેદિવસે ગોળી મારી મનમોહનપાર્ક પાસે હત્યા કરી હતી. નિર્મમ હત્યા બાદ ડીજીપી ઓ.પી. સિંગે શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાનૂન અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ ઘટના મનમોહન પાર્ક ખાતે સવારે રાજેશકુમાર શ્રીવાસ્તવ બાઈક પર કલેક્ટર કચેરીએ જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા બાઈક સવાર હુમલાખોરોને તેમનો પીછો કરી નજીકથી માથામાં ગોળી મારી હતી. જેથી વકીલનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોગાનુંજોગ મનમોહન પાર્ક માર્ગ પર મુખ્ય સચિવ અને ડીજીપીનો કાફલો થોડાક સમય પહેલાં પસાર થઈ ગયો હતો. વકીલની હત્યાથી રોષે ભરાયેલા વકીલોએ રસ્તાઓ પર દેખાવો યોજી કોર્ટના કામકાજનો બહિષ્કાર કર્યો હતો. તેમણે હુમલાખોરોને તાકીદે પકડવાની માગણી કરી હતી. તેમજ પીડિત પરિવારને વળતર આપવા માગણી કરી હતી. હત્યા બાદ હોસ્પિટલ અને કોર્ટ કેમ્પસમાં ભારે પોલીસબળ તૈનાત કરાયું હતું. જ્યાં વકીલો એકઠા થયા હતા. કેટલાક વકીલોએ વાહનોને આગ ચાંપી હતી. તેમજ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી પીડિત પરિવારને ર૦ લાખની મદદની જાહેરાત કરી હતી.
અલ્હાબાદના પોલીસ વડા આકાશ કુલ્હારીએ કહ્યું કે હત્યા પાછળ જમીન વિવાદનું કારણ જોવા મળે છે, કેસ નોંધી હત્યારાઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ તપાસાઈ રહ્યા છે. ફુલપુરમાં મંગળવારે રાત્રે ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના ટેકેદાર ભાજપના કાઉન્સિલર પવન કેસરીની ગોળી મારી હત્યા કરાઈ હતી. તે જ દિવસે નવાબગંજમાં શાળાના મેનેજરની ક્રૂર હત્યા કરાઈ હતી. જાન્યુઆરી-૧થી ઓછામાં ઓછા ૪૩ વ્યક્તિઓ જુદા-જુદા અપરાધોમાં અત્યારસુધીમાં મોતને ભેટ્યા છે. અલ્હાબાદ રાજ્યનું નવું અપરાધી કેન્દ્ર બની રહ્યું છે.