(એજન્સી) ન્યૂયોર્ક, તા.૮
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક નજીક એક કાર અકસ્માતમાં ૨૦ લોકોનાં મોત થયા છે. અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં એક લિમોઝિનમાં સવાર ૧૮ લોકો સહિત કુલ ૨૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાને અમેરિકામાં છેલ્લા એક દશકાનો સૌથી ભયંકર રોડ અકસ્માત માનવામાં આવી રહ્યો છે. લિમોઝિનમાં સવાર લોકો એક બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા જઇ રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અહેવાલો અનુસાર, આ લિમોઝિન પદયાત્રિઓને કચડી એક ખાલી એસયુવી સાથે જઇને ટકરાઇ હતી. આ અકસ્માતમાં ૨ પદયાત્રિઓનું મૃત્યુ થયું છે. આ અકસ્માત ન્યૂયોર્ક શહેરથી લગભગ ૨૭૦ કિ.મી. દૂર થયો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત અલ્બાની નજીક સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો હતો જ્યારે વિપરીત દિશામાંથી આવી બે કાર વચ્ચે અથડામણ થઈ હતી.