ઉના, તા.૧૯
ઉના અંજાર રોડ પર આવેલ ગુલીસ્તા સ્કૂલના ક્લાસમાં છાત્રો અભ્યાસ કરતા હતા. ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝુંડ ક્લાસ રૂમમાં ત્રાટકતા છાત્રોને ડંખ મારી દેતા અફડા તફડી મચી ગઈ હતી. શાળાના વીસથી વધુ છાત્રોને ઘાયલ કરતા ઉનાની બે ઈમરજન્સી ૧૦૮ મારફતે સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ હતા.
ગુલીસ્તા સ્કૂલના ક્લાસ રૂમમાં અભ્યાસ કરતા સાનીયા, સાહીસ્તા પઠાણ, અક્ષા દાહીત, અરમાન જુનેજ, મજગુલ સોહીલ, ફુઝાન સોરઠીયા સહિતના વીસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને શાળાની તદ્દન નજીક આવેલી નાળીયેલીના ઝાડમાંથી અચાનક ઝેરી મધમાધીનું ઝુંડ ત્રાટકતા સ્કૂલના રૂમમાં આવી ચડતા તમામને ઝેરી મધમાખીએ ડંખ મારી દીધેલ. જો કે, આ બનાવથી છાત્રોમાં અફડા તફડી મચી જવા પામી હતી અને ઝેરી મધમાખીના ડંખથી છાત્રોને ચક્કર આવતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મધમાખીએ ડંખ મારી ઘાયલ કરી દેતા તાત્કાલિક ઈમરજન્સી ૧૦૮ને જાણ કરી હતી અને ઉનાની બે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તમામ છાત્રોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બનાવને પગલે શાળાના શિક્ષકોનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા. શાળાની નજીક વૃક્ષોમાં ઝેરી મધમાખી હોય આ અંગે સ્કૂલ દ્વારા વનવિભાગને જાણ કરી હોવા છતાં આ મધમાખીને દૂર ન કરવામાં આવી ન હોવાનું જાણવા મળેલ છે.