(એજન્સી) તા.૧૦
મે, ૧૯૭૪માં જ્યારે ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દે ૬ મોટા દેશો-અમેરિકા, બ્રિટન, સોવિયેત સંઘ, ફ્રાંસ, જર્મની અને કેનેડાની નવે.૧૯૭૫માં બેઠક થઇ હતી તેમાં ભારત પર ટેકનોલોજીને લઇને પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરાયો હતો. આ છ દેશો ત્યારે લંડન ક્લબ તરકે ઓળખાતા હતા. જો કે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ પરીક્ષણ શાંતિપૂર્ણ હેતુ માટે કરવામાં આવ્યું છે.
ભારતના અણુ કાર્યક્રમને લઇને કેટલાય વર્ષો સુધી દેશને વિશ્વસનિયતાની કટોકટીમાંથી પસાર થવું પડ્યું હતું. દેશમાં સંસાધનોનો અભાવ અને વિદેશી ટેકનોલોજી તેમજ મદદ નહીં મળવાથી કામકાજ પ્રભાવિત થયું હતું. ભારતીય વૈજ્ઞાનિક, સેના અને આમજનતા દેશને અણુ સત્તા બનાવવા માટે પરીક્ષણના સમર્થનમાં હતી. તેને જોઇને તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવે ૧૯૯૫માં પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ અમેરિકાના ગુપ્ત સેટેલાઇટ દ્વારા પોખરણમાં ચાલતી તેની તૈયારીઓની અમેરિકાને ખબર પડી ગઇ હતી અને તેથી અમેરિકાએ દબાણ કરતા ભારતે પરમાણુ પરીક્ષણ મોકૂફ રાખવું પડ્યું હતું. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ દેશનો મૂડ સંપૂર્ણપણે બદલાઇ ગયો હતો.
૧૯૯૮ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીએ પક્ષના પરમાણુ પરીક્ષણના ઇરાદાની ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અણુશસ્ત્રો બનાવવાની વાત કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે અણુસત્તા બન્યા બાદ ભારત જેના માટે હકદાર છે એવું આંતરરાષ્ટ્રીય સન્માન તેને મળશે. ૧૯૯૮માં સરકાર બનાવ્યાના થોડા મહિના બાદ વડાપ્રધાન વાજપેયીએ ડો.અબ્દુલ કલામ, ડો.આર ચિદમ્બરમ અને અણુ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે અણુ કાર્યક્રમ અંગે વાત કરી હતી.
ચિદમ્બરમે વાજપેયીને આ અંગે સુરક્ષિત જાણકારી આપી હતી તો અબ્દુલ કલામે તેમને દેશના મિસાઇલ પ્રોગ્રામ અંગે વાત કરી હતી. ૨૮ માર્ચ ૧૯૯૮ના રોજ વાજપેયીએ વૈજ્ઞાનિકોને ઓછામાં ઓછા સમયમાં અણુ પરીક્ષણની તૈયારી કરવા કહ્યું હતું અને પાછળથી જે કંઇ થયું તે ઇતિહાસના પાનામાં નોંધાયેલ છે. આમ ભાજપ પરમાણુ પરીક્ષણના વચન સાથે ૨૦ વર્ષ પહેલા સત્તા પર આવ્યો હતો.