(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
શહેર નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી. ખાતે આવેલી સત્યમ કોમ્પોસિટસ પ્રાઈવેટ લિમેટેડ નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કંપની પાસે આવેલા ૨૦૦ જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થઇ ગયા હતા. સદ્‌નસીબે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ઝૂંપડાવાસીઓનો ઘરવખરી સામાન અને અંદાજે રૂા. ૪ થી૫ લાખ રોકડ બળીને ખાક થઇ ગયું હોવાનું અનુમાન છે. આગના બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના ૫ બંબા સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર પોર જી.આઇ.ડી.સી.માં ૫૦૦ જેટલી નાની-મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ફાયરબરના પતરાં બનાવતી સત્યમ કોમ્પોસિટસ પ્રાઈવેટ લિમેટેડ નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ આવેલી છે. આજે બપોરે આ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ભભુકતાજ કંપનીમાં કર્મચારીઓએ નાસભાગ કરી મુકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને કંપની નજીક આવેલા ૨૦૦ જેટલા ઝૂંપડાઓને આગની લપેટમાં લઇ લીધા હતા. કંપનીમાં આગ લાગતાની સાથેજ ઝૂંપડાવાસીઓ જીવ બચાવીને ઝૂંપડાની બહાર દોડી આવ્યા હતા. આગમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ઝૂંપડાવાસીઓનો તમામ ઘરવખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. આ સાથે કંપનીઓમાં મજૂરી કરીને મળેલા નાણાં તેમજ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીઓમાંથી થયેલ પગારના આશરે રૂા.૪થી૫ લાખ બળીને ખાક થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સત્યમ ફાઇબર કંપનીમાં આગ લાગતાજ આસપાસમાં આવેલી કંપનીઓના કર્મચારીઓ પણ પોતાના કામ પડતા મૂકી કંપનીઓની બહાર નીકળી ગયા હતા. આ સાથે આસપાસના ગામોમાં પણ દહેશત ફેલાઇ ગઇ હતી. પોર જી.આઇ.ડી.સી.માં ૫૦૦ જેટલી નાની-મોટી કંપનીઓ હોવા છતાં, જી.આઇ.ડી.સી.માં ફાયર બ્રિગેડની સુવિધા નથી. પરિણામે આજે ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયબરના પતરાં બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરતજ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. અને ૫ ફાયર ફાઇટરો રવાના કરી દીધા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ સતત પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીમાં આગ કેવી રીતે લાગી તે અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, શોર્ટસર્કીટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.