(એજન્સી) તા.૨૮
સનાતન પ્રભાતની ૯ જૂન ૨૦૧૩ની આવૃત્તિમાં અનુયાયીઓને હિંદુઓ પરના અત્યાચારોનો બદલો લેવા પોલીસકર્મીઓના નામ નોંધી લેવા અનુરોધ કર્યો હતો. જો કે ચારુદત્ત પિંગલેએ આ રીતે કઇ બોલ્યા હોવાનો ઇન્કાર કર્યો છે. ૨૦૧૩માં શસ્ત્રોની જપ્તી અને ધરપકડના પગલે આતંક વિરોધી એજન્સીઓના દાયરામાં આવનાર સનાતન સંસ્થાનું આ મુખપત્ર સનાતન પ્રભાતની પણ ફરી તપાસ કરવામાં આવી શકે છે. ૯ જૂન ૨૦૧૩ના રોજ તેના અંકમાં સનાતન દ્વારા ગોવામાં આયોજિત હિંદુત્વ જૂથોના બીજા વાર્ષિક સંમેલન ખાતે સનાતન સંસ્થાના રાષ્ટ્રીય માર્ગદર્શક ડો.ચારુદત્ત પિંગલેે કરેલા ભાષણની સીડી તૈયાર કરી છે. સનાતન પ્રભાતના અહેવાલ અનુસાર પિંગલેએ સાધકોને જણાવ્યું હતું કે હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે ધર્મયુદ્ધ જરુરી છે. લઘુમતીઓ પર કૂણું વલણ દાખવીને હિંદુ વિરોધી વલણ અખત્યાર કરનાર પોલીસ પર આક્ષેપ કરીને આ અહેવાલમાં પિંગલેને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે લોકો બદલો લેવાની ભાવના જીવંત રાખે.
હિંદુઓ પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારો ભુલશો નહીં. હિંદુઓ વિરુદ્ધ અપરાધો આચરનાર પોલીસકર્મીઓની યાદી તૈયાર કરવાનું શરુ કરો. ક્રાંતિ આવશે ત્યારે સૌપ્રથમ પોલીસ તેનો ભોગ બનશે. આપણે પોલીસ અને આર્મીને પરાજિત કર્યા વગર હિંદુ રાષ્ટ્ર બનાવી શકીએ નહીં.