(એજન્સી) જમ્મુ,તા.૧૩
જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે કહ્યું કે આ વર્ષે પથ્થરમારામાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે. વૈદ્યે જણાવ્યું કે ગત વર્ષે દરરોજ પથ્થરમારાની ૪૦થી પ૦ ઘટનાઓ ઘટતી હતી. પરંતુ હવે સ્થિતિ સુધરી રહી છે. ડીજીપીએ જણાવ્યા અનુસાર પથ્થરમારાની ઘટના ઓછી થવાના અનેક કારણો છે. તેમાં એનઆઈએના આતંકી ભંડોળ પર કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. વૈદ્યે આ માટે જમ્મુ-કાશ્મીરની જનતાની પણ પ્રશંસા કરી હતી.
વૈદ્યે જણાવ્યું કે ગત વર્ષે દરરોજ પથ્થરમારાની ૪૦થી પ૦ ઘટનાઓ ઘટતી હતી. લોકોના મૂડમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સૌનો સંબંધ છે. તમે સ્પષ્ટરૂપે જોઈ શકો છો કે સ્થિતિ થોડા ઘણા અંશે સુધરી રહ્યા છે. ઘણીવાર તો સમગ્ર ઘાટીમાં એક દિવસમાં પથ્થરમારાની કોઈ ઘટના ઘટી નથી. ઘણી વખત અઠવાડિયાઓ સુધી આવી કોઈ ઘટના ઘટતી નથી.
ડીજીપીએ કહ્યું કે ગત વર્ષ સુધી શુક્રવારે પથ્થરમારાની પ૦ જેટલી ઘટનાઓ ઘટતી હતી. હવે એક પણ આવી ઘટના ઘટી નથી. કાયદો અને વ્યવસ્થા સુધરવા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. ફક્ત એ માનવું કે આતંકી ભંડોળ વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે. તે કારણે જ પથ્થરમારાની ઘટનાઓ ઓછી થઈ તે યોગ્ય નથી. તેનો શ્રેય જમ્મુ-કાશ્મીરની જનતાને પણ જાય છે કારણ કે તે હવે સમજી ચૂકી છે કે તેનાથી તેમનું જ નુકસાન થાય છે. બીજી વાત એ છે કે તેમને એવું લાગી રહ્યું છે કે જે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી રહ્યા છે તે તેમની જ કોમના છે. ડીજીપીએ વધુમાં જણાવ્યું કે ટોચના આતંકી કમાન્ડર્સને ઠાર કરવા પણ પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો થવાનું એક મુખ્ય કારણ છે. નોટબંધી અને આતંકવાદીઓના મદદગારોના કારણે પણ પથ્થરમારો ઘટ્યો છે.
ડિટેન્શન ઓફ પબ્લિક સેફ્ટી એક્ટને સ્થિતિ સુધારમાં મદદરૂપ ગણાવતા વૈદ્યે કહ્યું કે રાજ્યમાં રાજકીય પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થઈ રહી છે. હવે લોકો આગળ આવીને તેમાં ભાગ લઈ રહ્યા છે. સરવાળે ઘણા પરિબળોના કારણે રાજ્યમાં સ્થિતિ સુધરી છે. વૈદ્યે સ્વીકાર્યું કે સેનાના ‘ઓપરેશન ઓલ આઉટ’થી પણ સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેમાં અધિકારીઓ અને જવાનોની મુખ્ય ભૂમિકા રહી છે અને તેનો શ્રેય તેમને જાય છે. આ વર્ષ આશરે ૧૭૦ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.