પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં વિક્ટોરિયા હાઉસની બહાર ૧૯૯૩ની ૨૧મી જુલાઇએ પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં કોંગ્રેસના ૧૩ કાર્યકરો શહીદ થયા હતા. દર વર્ષે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ૨૧મી જુલાઇએ શહીદ દિવસ માનવવામાં આવે છે. તે વખતે મમતા બેનરજી પશ્ચિમ બંગાળ યુવા મોરચાના નેતા હતાં અને રાજ્યમાં ડાબેરીઓની સરકાર હતી. તૃણમૂલ કોંગ્રેસના યુવા મોરચા દ્વારા યોજવામાં આવેલી શહીદ દિવસ રેલીમાં ભાગ લેવા માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા.
(એજન્સી) કોલકાતા, તા.૨૧
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોતાનું ચૂંટણી બ્યુગલ ફુંકી દીધું છે. તૃણમૂલ કોંગ્રેસનાં વડાએ કેન્દ્રની સત્તામાંથી ભાજપને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કર્યો છે. રેલી દરમિયાન મમતા બેનરજીએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ આગામી ૧૫મી ઓગસ્ટથી મોદી સરકાર સામે ‘ભાજપ હાટવો, દેશ બચાવો’ અભિયાનની શરૂઆત કરશે. મમતા બેનરજીએ એવી આગાહી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભારે ફટકો પડશે અને ભાજપ ૧૦૦ સીટની અંદર સમેટાઇ જશે. કોલકાતામાં ટીએમસીની વાર્ષિક શહીદ દિવસ રેલીને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યું છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં બંગાળ રસ્તો બતાવશે. આગામી સામાન્ય ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં અમે બધી ૪૨ સીટ જીતીશું.
કોલકાતામાં જાન્યુઆરીમાં એક વિશાળ રેલીનું આયોજન કરાશે અને બધા વિપક્ષના નેતા તેમાં ભાગ લેશે. નોંધનીય છે કે ૧૯૯૩માં વિક્ટોરિયા હાઉસની બહાર કોંગ્રેસના ૧૩ યુવા કાર્યકરોને પોલીસ ગોળીબારમાં મારી નાખવામાં આવ્યા હતા. ત્યાર પછીથી દર વર્ષે અહીં શહીદ દિવસ મનાવવામાં આવે છે. મિદનાપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન પંડાલ પડી જવાની ઘટનાના સંદર્ભમાં મમતા બેનરજીએ ભાજપ સામે કટાક્ષ કરતા જણાવ્યું કે ‘જે લોકો પંડાલ બનાવી શકતા નથી, તેઓ દેશને બનાવવા માગે છે ?’ નોંધનીય છે કે ચાલુ સપ્તાહે બંગાળના મિદનાપુરમાં પીએમ મોદીની રેલી દરમિયાન પંડાલ પડી જવાથી આશરે ૯૦ લોકો ઘવાયા હતા.
સાથે જ ૧૯મી જાન્યુઆરીએ એક મેગા રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીમાં દેશના વિભિન્ન ભાગોમાંથી રાજકારણી સામેલ થશે. તેમણે કહ્યું કે અમે ૨૦૧૯ની લોકસભા ચૂંંટણીઓમાં પશ્ચિમ બંગાળની બધી ૪૨ સીટ જીતીશું. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ભાજપની લોકસભા સીટમાં નોંધપાત્ર ઘટાડો થશે. પંચાયતની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને સક્કિમની ચૂંટણીઓમાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા ત્યારે કોઇ પ્રશ્ન ઉભો થયો ન હતો પરંતુ અમે ૯૦ ટકા સીટ જીતી હોવાછતાં અમારી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
Recent Comments