જામનગર, તા.૫
‘સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર’, ‘હર ખેત કો પાની, હર હાથ કો કામ‘ના રૂપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧ર માં રૂપિયા દસ હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ર૦૧૯ સુધીમાં આ યોજના ક્યાં પહોંચી?, કેટલા ડેમ છલકાયા કે કેટલા ડેમમાં નર્મદાના પાણી સૌની યોજના હેઠળ આવ્યા ? તેવા વેધક સવાલો સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા તથા ધ્રોળ તાલુકાના ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે ઊઠાવ્યા છે.
રપ સપ્ટેમ્બર ર૦૧ર ના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાને સૌરાષ્ટ્રના એક એક નાગરિકને ધોળા દિવસે સપનાઓ બતાવ્યા હતાં, ત્યારે તેમણે પોતાની આ મહત્ત્વકાંક્ષી યોજના કેટલી મહત્ત્વની છે અને સૌરાષ્ટ્રને આ નજરાણું શા માટે આપે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘મારી રાજકીય કારકિર્દીનો જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર)એ આપ્યો છે તેના બદલામાં સૌરાષ્ટ્ર વાસીઓને હું આ નજરાણું આપું છું.’ આમ જાદુઈ રીતે સપના બતાવી ર૦૧રની ચૂંટણી જીતી લીધી, ર૦૧૪ અને ર૦૧૭ ચૂંટણીઓમાં પણ ડેમોમાં નામ પૂરતા જ નર્મદાના પાણી અવતરણ કરાવી આજ સપનાઓ તાજા કરાવ્યા, અને વાહ-વાહ ખાટી ગયા. હવે આવે છે ર૦૧૯ ની ચૂંટણી અને રણજીતસાગર ડેમ ફરી પાછા નર્મદા, જામનગર, જનતા, ખેડૂતો અને વાહ વાહ… ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર આ સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના) યોજના શું છે? એનાથી સૌરાષ્ટ્રવાસીઓ કેટલા વાકેફ છે? જામનગર જિલ્લાના ઊંડ ડેમના ખેડૂતો શા માટે ડેમના પટમાં ક્રિકેટ, ફૂટબોલ રમી વિરોધ નોંધાવી રહ્યા છે ? તે પ્રશ્ન સમજવા જેવો છે.
આ યોજનાની જાહેરાત કરતા મોદીએ કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રના ૭ જિલ્લામાં (ત્યારે ૭ જિલ્લા હતાં) દુષ્કાળ હવે ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી કરી જાણે છે, પણ એને કુદરત પર જ આધાર રાખવો પડે છે નર્મદા ડેમનું ઓવરફ્લો થઈ દરિયામાં નિરર્થક વહી જતું પાણી હવે સૌરાષ્ટ્રના ૧૧પ મોટા ડેમોને છલોછલ કરશે’. એટલે કે દરિયામાં વહી જતું પાણી જ આપવાની વાત હતી. નર્મદાની સપાટીમાં રહેલું પાણી નહીં.
વધુમાં તેમણે કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રમાં ૧૧૧પ કિલોમીટર લાંબી મુખ્ય નહેરોનું જાળું રચાશે જેમાં ૧૧પ ડેમોને એકબીજા સાથે નહેરો દ્વારા જોડવામાં આવશે અને દસ લાખ એકર જમીન વિસ્તારમાં અભૂતપૂર્વ, અકલ્પ્ય રીતે નર્મદાનું પાણી અવતરણ કરવામાં આવશે. ૪ મોટી કેનાલ દ્વારા ૩ તબક્કામાં ૩ મિલિયન એકર પાણીની વહેંચણી કરવામાં આવશે ને સૌરાષ્ટ્રનો ખેડૂત એક વર્ષમાં ૩ સીઝન લઈ ઈઝરાયેલને પણ પાછળ રાખી દેશે, આમ નદી જીવતી થશે ને નદી જીવતી થાય એટલે એક યુગ જીવતો થયા બરાબર છે.’
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના મચ્છુ, ડેમી, ધોધા, આજી, બાવની, ઊંડ, રૃપારેલ, કંકાવટી, સસોઈ, રંગમતી, સિંહણ, ઘી, સાની, કાલુભાર, સોનાપરી, રંભોળી, રાજાવળ, ખારો, શેત્રુંજી, બગડ, માલણ, ભાદરોળી, રાયડી, ધતારવાડી, સુરાજવાડી, ન્યારી, ડોંડી, ભોગવો, હિરણ, ધોળીધજા, વેણુ જેવા કુલ ૧૧પ મોટા ડેમ જેમાંથી એક ડેમ ભરાય ઓવરફ્લો થાય, બીજા ડેમમાં નહેર વાટે પાણી જાય એ ડેમ ભરાય ઓવરફ્લો થાય, બીજા ડેમમાં નહેર વાટે પાણી જાય એ ડેમ ભરાય ઓવરફ્લો થાય, નહેર વાટે ત્રીજા ડેમમાં પાણી જાય એમ એક પછી એક ૧૧પ ડેમ ભરવાના હતાં.
‘આટલી મહત્ત્વકાંક્ષી યોજના દસ હજાર કરોડનો ખર્ચ કરી ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની હતી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે સૌરાષ્ટ્રના નક્કી થયેલ ૧૧પ ડેમો પૈકી ક્યો ડેમ છલોછલ ભર્યો છે ? ક્યો ડેમ નર્મદાના નીરથી ઓવરફ્લો થયો છે ? ૮૭ ડેમોનું આંતર જોડાણ કરવાનું હતું તેમાંથી ક્યાં અને ક્યા બે ડેમોનું આંતર જોડાણનું કામ થયું છે ? અને જો કાંઈ થયું જ ન હોય તો રણજીતસાગર ડેમમાં માઁ નર્મદાના નીરના અવતરણના નામે શા માટે મૂર્ખ બનાવવામાં આવે છે ? નહેરો દ્વારા ડેમો ભરવાની જગ્યાએ સંપ બનાવી, પાઈપલાઈન નાખી પંપિંગ કરી પાણી શા માટે પહોંચાડવામાં આવે છે? અને તેમણે અગાઉ જે ડેમોમાં નર્મદાના નીરના અવતરણ કરાવ્યા ત્યાં ખેડૂતો શા માટે ક્રિકેટ અને ફૂટબોલ રમી રહ્યા છે ?’ આજે ઊંડ ડેમ આસપાસના ગામોના ખેડૂતોએ ગુજરાતની જનતાની આંખ ખોલવાનું કામ કર્યું છે જે ડેમ મોદીએ ૩ વર્ષ પૂર્વે ભર્યો હતો તે ડેમ ઓવરફ્લો થઈ નહેર વાટે રણજીતસાગર ડેમમાં પાણી જવાનું હતું, અને ભરાયા પછી જ રણજીતસાગર ડેમ ભરવાની મૂળ યોજના છે, તો આ મૂળ યોજના મુજબ નહેર કેમ ન બનાવામાં આવી ? પાઈપલાઈન, સંપ, પંપિંગ શા માટે ? ઊંડ ડેમમાં આવતી પાઈપલાઈનને વેલ્ડીંગ કરી સીલ શા માટે કરવામાં આવી ? ઊંડમાં પાણી કેમ છોડવામાં નથી આવતું ? ઊંડ ડેમ અત્યારે ખાલીખમ પડ્યો છે ઊંડ ડેમ પડધરી, ધ્રોળ, જામનગર અને કાલાવડ એમ ચાર તાલુકાની સીમા પર છે. ૪પ જેટલા ગામોને સીધો ફાયદો કરે છે. ર૪ ગામને જૂથ યોજના દ્વારા અને જામનગર મહાનગરપાલિકાને પીવાનું પાણી ઊંડ ડેમ દ્વારા આપવામાં આવે છે એ ડેમમાં ધૂળની ડમરીઓ ઊડે છે. તેના પટમાં ખેડૂતો ફૂટબોલ, ક્રિકેટ રમી અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે. જામનગરની અને ગુજરાતની જનતાને એક સંદેશો આપી રહ્યા છે કે અમારી આંખો તો ખુલી ગઈ તમારી ક્યારે ખૂલશે?