(એજન્સી) નવી દિલ્હી, તા.૨
૨૦૧૯ની સામાન્ય ચૂંંટણીઓમાં ઇવીએમ મશીનો દૂર કરીને તેના બદલે બેલટ પેપરથી મતદાન યોજવા અંગે વિરોધ પક્ષો સંગઠિત થઇ ગયા છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે ઇવીએમ મશીનોને બદલે બેલેટ પેપરથી મતદાન યોજવાની તરફેણમાં પોતાના પક્ષનું વલણ વિધિસર રીતે જાહેર કર્યાના થોડાક દિવસ બાદ આ મુદ્દા અંગે વિરોધ પક્ષો સંગઠિત થયા છે. સમાજવાદી પક્ષની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાયા બાદ અખિલેશ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, પક્ષની કારોબારી સમિતિના સભ્યોના એવા મંતવ્ય છે કે ઇવીએમ મશીનો દ્વારા નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન યોજવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહના નેતૃત્વ હેઠળના ભાજપ સામે પોતાની તરફેણમાં ઇવીએમ મશીનોમાં ચેડા કરવાનો આરોપ છે. ૧૭ બિન-ભાજપ પક્ષો ચૂંટણી પંચને મળીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન યોજવાની માગણી કરશે. ૧૭ જેટલા વિરોધ પક્ષો આ મુદ્દા અંગે આગામી સપ્તાહે ચૂંંટણી પંચ સમક્ષ સંયુક્ત રજૂઆત કરશે. નોંધનીય છે કે ભાજપનો સહયોગી પક્ષ શિવસેનાએ પણ ઇવીએમ મશીનોને બદલે બેલેટ પેપરથી મતદાન યોજવાની માગણીને સમર્થન આપ્યું હતું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બેલેટ પેપરથી મતદાન યોજવાની માગણી અંગે તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં ઇવીએમ મશીનોના ઉપયોગનો વિરોધ કરવાના વિચાર અંગે ગયા મહિને ચર્ચા કરી હતી. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં ટીએમસી, સપા, બસપા, ડીએમકે, રાજદ, સીપીએમ, સીપીઆઇ અને જેડીએસ સહિત અન્ય વિરોધ પક્ષોએ પણ ભાગ લીધો હતો. આ બેઠક બાદ વિરોધ પક્ષોએ ઇવીએમ મશીનો દૂર કરીને બેલેટ પેપરથી મતદાન યોજવાની માગણી કરવા માટે ચૂંટણી પંચ પાસે જવાનું નક્કી કર્યું હતું.