(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
બસપના સુપ્રીમો માયાવતીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચાલુ વર્ષને અંતે યોજાનારી વિધાનસભાની ચૂંંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની શક્યતા બુધવારે નકારીકાઢી છે. જોકે, ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના વિકલ્પો તેમણે ખુલ્લા રાખ્યા છે. જોકે, એક નિવેદનમાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે આ બંને રાજ્યોમાં કોઇ પણ ભોગે બસપા કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં. માયાવતીએ એવું પણ કહ્યું કે કોંગ્રેસનો ઇરાદો ભાજપને પરાજય આપવાનો નથી પરંતુ મિત્ર પક્ષોને હાનિ પહોંચાડવાનો છે. કોંગ્રેસ ભાજપ સામે લડવાની નથી. માયાવતીએ તેમના પક્ષને ખતમ કરવાના ષડયંત્રનો કોંગ્રેસ સામે આરોપ મુક્યો છે. કોંગ્રેસ સામે માયાવતીના પ્રહારોએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા વિપક્ષની એકતા અને ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની ક્વાયત પર ઠંડું પાણી રેડી દીધું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ તેના ઘમંડને કારણે જ ગુજરાત જેવા રાજ્યોમાં લાંબા સમયથી સત્તાથી દૂર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ યોગ્ય ગઠબંધન કરવા માટે તૈયાર પણ નથી, તેના અક્કડ વલણને કારણે અમે કર્ણાટક અને છત્તીસગઢમાં અમે અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું. દરમિયાન, દિગ્વિજયસિંહ જેવા કોંગ્રેસના નેતાઓએ એવો દાવો કર્યો છે કે માયાવતીના ભાઇની સામે સીબીઆઇ તપાસને કારણે વિપક્ષ સાથે કોઇ ગઠબંધન નહીં કરવાનું માયાવતી પર ભાજપનું ભારે દબાણ દબાણ છે. સીબીઆઇના ડરને કારણે માયાવતી ગઠબંધનમા સામેલ થઇ રહ્યાં નથી. દિગ્વિજયસિંહ પર છંછેડાયેલા માયાવતીએ તેમને ભાજપના એજન્ટ ગણાવીને તેમના આક્ષેપો પણ ફગાવી દીધા છે.

માયાવતીએ દિગ્વિજયસિંહને ભાજપના એજન્ટ ગણાવ્યા
કહ્યું – કોંગ્રેસ બસપા સાથે ગઠબંધન કરે એવું તેઓ ઇચ્છતા નથી

કોંગ્રેસથી નારાજ ચાલી રહેલાં માયાવતીએ બુધવારે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થવા માટેનો ઠીકરો દિગ્વિજયસિંહ પર ફોડ્યો છે. માયાવતીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને ભાજપના એજન્ટ ગણાવ્યા છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બસપા સાથે ગઠબંધન કરવા ઇચ્છતા હતા પરંતુ દિગ્વિજયસિંહ અને કોંગેસના અન્ય કેટલાક નેતા બસપા સાથે ગઠબંધનની વિરૂદ્ધમાં હતા. તેમણે કહ્યું કે દિગ્વિજસિંહ અને કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ સીબીઆઇથી ડરતા હોવાનું દુઃખદ છે. દિગ્વિજયસિંહ અને અન્ય કેટલાક નેતા બંને પક્ષોનું ગઠબંધન થાય એવું ઇચ્છતા નથી. બસપા અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થઇ શકવા પાછળ દિગ્વિજયસિંહનો અંગત સ્વાર્થ સામેલ છે. દિગ્વિજયસિંહ ભાજપ માટે કામ કરી રહ્યા છે. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની રસ્સી બળી ગઇ પરંતુ વળ ગયા નથી. કોંગ્રેસે ગુજરાતથી કોઇ બોધપાઠ લીધો નથી.