(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
કોંગ્રેસ પક્ષ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધનિક ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાની કોંગ્રેસની ક્ષમતા પર આ નાણાકીય કટોકટીની અસર થઇ શકે છે. કોંગ્રેસની નેતાગીરીએ છેલ્લા પાંચ મહિનાથી વિભિન્ન રાજ્યોમાં પોતાના કાર્યાલયો ચલાવવા માટે જરૂરી ફંડ્‌સ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. આ મામલાની માહિતી ધરાવતા કોંગ્રેસના ઘણા હોદ્દેદારોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે કોંગ્રેસે પોતાના નેતાઓને પાર્ટી માટે ફાળા વધારવા અને અધિકારીઓને પોતાના ખર્ચાઓમાં કાપ મૂકવાનું જણાવ્યું છે. નાણાકીય કટોકટી એટલી ખરાબ છે કે પાર્ટીએ પોતાના ઉમેદવારો માટે ફાળા મંગાવીને ફંડ ભેગું કરવું પડ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ દિવ્ય સ્પંદન રામ્યાએ જણાવ્યું કે અમારી પાસે નાણાં નથી. ભાજપની સરખામણીએ અમારી પાસે ચૂંટણી બોન્ડથી નાણાં બહુ જ ઓછા આવી રહ્યા છે. નોંધનીય છે કે ચૂંટણી બોન્ડ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપવાની નવી પારદર્શક પદ્ધતિ છે. કોંગ્રેસ પાસે હવે તેના દ્વારા જરૂર મુજબ નાણા આવી રહ્યા નથી, તેથી કોંગ્રેસને નાણાં એકત્રિત કરવા માટે ઓનલાઇન મદદની અપીલ કરવી પડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિતશાહે વ્યવસ્થિત વ્યૂહરચનાથી કોંગ્રેસને લગભગ બધી મોટી ચૂંંટણીઓમાં પરાજય આપ્યો છે. ભાજપ પોતાના સહયોગી પક્ષોની સાથે હાલમાં ૨૦ રાજ્યોમાં શાસન કરી રહ્યો છે જ્યારે ૨૦૧૩માં કોંગ્રેસનું ૧૫ રાજ્યોમાં શાસન હતું હવે આ બે રાજ્ય સુધી મર્યાદિત થઇ ગયું છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં મોદી સૌથી લોકપ્રિય ચહેરો હશે. કોંગ્રેસે માર્ચ ૨૦૧૭માં પુરા થયેલા નાણાકીય વર્ષમાં ભાજપની સરખામણીએ ૨૫ ટકા ઓછું ફંડ એકત્રિત કર્યું છે. ભાજપને આ સમયગાળા દરમિયાન ૬૫,૩૧૭ કરોડ રૂપિયાનો ફાળો મળ્યો છે. ભાજપની આ કમાણીમાં ગયા વર્ષની સરખામણીએ આશરે ૮૧ ટકાનો વધારો થયો છે. કોંગ્રેસને ૧૪,૨૧૩ કરોડ રૂપિયા જ મળ્યા છે. તેમાં ગત વર્ષની સરખામણીએ ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં કોંગ્રેસને નાણાકીય કટોકટી ભારે પડી હતી.કોંગ્રેસના મોટા નેતાઓ માટે પાર્ટી વિમાનની ટિકિટ બુક કરાવી શકી ન હતી અને પક્ષનો પ્રચાર બહુ ઓછો થયો હતો, તેથી આ રાજ્યોમાં કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.