(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ૭૧મા સ્વતંત્રતા દિવસે ચોથી વખત લાલ કિલ્લાના પ્રાચીર ખાતેથી તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ગત ચાર વર્ષમાં વડાપ્રધાન મોદીનું આ વખતનું સૌથી ટૂંકુ ભાષણ હતું. જેમાં વડાપ્રધાન મોદીએ આવનાર ર૦રરમાં વર્ષના ‘‘ન્યુ ઈન્ડિયા’’ વિશે વાત કરી હતી. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆતમાં જ ગોરખપુર કરૂણાંતિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર દેશ તેમની સાથે છે. લોકોની સુવિધા માટે સરકાર તેમની સાથે છે. આ ઉપરાંત ન્યુ ઈન્ડિયા, કાશ્મીર, જન્માષ્ટમી વિગેરે વિષયો પર ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ભાષણના મહત્ત્વના દસ મુદ્દાઓ નીચે પ્રમાણે છે
૧. કયારેક કુદરતી આપત્તિઓ દેશવાસીઓ માટે ખૂબ જ મોટી ચેલેન્જ બની જાય છે. ગત દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં કુદરતી આપત્તિઓ આવી અને સાથે ગત અઠવાડિયે હોસ્પિટલમાં ૭૦ બાળકોના મોત થયા. આવા મુશ્કેલીના સમયમાં સવા સો કરોડ દેશવાસીઓની સંવેદનાઓ આ આપત્તિમાં અમારી સાથે છે. હું દેશવાસીઓની ભલાઈ અને સુરક્ષા માટે સરકાર કંઈપણ કરવા તૈયાર છે. સાથે દેશવાસીઓની હિંમતને પણ સલામ કરું છું કે તેઓ આવી મુશ્કેલીના સમયે પણ એકબીજા સાથે ખભેખભા મિલાવીને ઊભા છે.
ર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘‘ન્યૂ ઈન્ડિયા’’ની વાત કરતાં કહ્યું કે ભારતમાં ‘‘ચલતા હૈ’’ની વૃત્તિ હવે ‘‘બદલ શકતા હૈ’’માં બદલવાની છે. આ વલણ દેશને બદલી શકે છે. મોદીએ કહ્યું કે ભારતના યુવાનો ભારતમાં મળતી તકોનો લાભ ઉઠાવી પોતાનું ભવિષ્ય અને દેશનો નકશો બદલી શકે છે.
૩. ભારત ર૦રરમાં ‘‘ન્યુ ઈન્ડિયા’’ તરફ કૂચ કરી રહ્યું છે. જેમાં ગરીબ લોકોને પાક્કુ ઘર અને ખેડૂતોને બમણો પગાર અને યુવાનો અને મહિલાઓને નવી તકોનો લાભ મળી રહ્યો છે. ભારત હવે ભ્રષ્ટાચાર, આતંકવાદ અને જ્ઞાતિવાદથી મુક્ત બની રહ્યું છે.
૪. લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે ખાસ સંદેશો આપતાં તેમણે કહ્યું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન ગોળીઓથી નહીં પણ ગળે મળીને કરાશે તેમણે આના માટે નારો આપતાં કહ્યું કે ‘‘ન ગાલી સે ન ગોલી સે’’ તેમણે કહ્યું કે કાશ્મીરને ફરીથી સ્વર્ગ બનાવીશું. તેમણે કહ્યું કે આતંકવાદ સાથે કોઈ સમાધાન નહીં થાય, વારંવાર સરકારે કહ્યું કે, લોકો મુખ્ય ધારામાં જોડાય. મુખ્ય ધારાથી દરેકના જીવનમાં નવી ઊર્જાનો સંચાર થઈ શકે છે અને કાશ્મીરનો મુદ્દો હવે ગાળથી કે ગોળીથી નહીં પરંતુ કાશ્મીરીઓને ફકત ગળે લગાવીને કાશ્મીરની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે.
પ. રિસર્ચમાં વાત સામે આવી છે કે ત્રણ લાખ કરોડ રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં આવ્યા જે કયારેય ન હતા. બેંકોમાં જમા કરાવેલા લગભગ ર લાખ કરોડ રૂપિયા શંકામાં દાયરામાં છે અને તેમણે જવાબ આપવો પડશે.
૬. મોદીએ પાડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વિશે કહ્યું કે હાલમાં ચીન સાથે ચાલી રહેલા ડોકલામ મુદ્દે ચીનને કડક શબ્દોમાં કહ્યું કે, ભારત કોઈપણ પ્રકારના સુરક્ષા સામેના પડકારનો સામનો કરવામાં સક્ષમ છે. પછી ભલે તે સમુદ્ર ક્ષેત્ર હોય કે સરહદ પર. ચીનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે દેશની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને સરહદોના પ્રભારી રીતે સુરક્ષિત બનાવવા સૈનિકોને તૈનાત કરી દેવાયા છે.
૭. સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દુનિયાએ ભારતીય સુરક્ષા દળોની ક્ષમતાને સમજી લીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે તમામ ક્ષેત્રોમાં પોતાના દેશની રક્ષા કરવામાં સક્ષમ છીએ.
૮. મારા પ્યારા દેશવાસીઓ સમય બદલાઈ રહ્યો છે. આપણે ર૧મી સદીનો ભાગ છીએ. વિશ્વમાં સૌથી મોટો યુવા વર્ગ આપણા દેશમાં છે. દુનિયામાં આપણી ઓળખાણ આઈટી દ્વારા છે. ‘‘ડિઝિટલ વર્લ્ડ’’ દ્વારા છે. એક જમાનામાં દુનિયામાં ચામડાંઓના સિક્કાઓ ચાલતા હતા. આજે તેઓની જગ્યાએ નોટ ચાલે છે. આગળ જતાં હવે બધુ ડિઝિટલ કરન્સીમાં બદલવાનું છે.
૯. આજે ભારત ગર્વ કરી શકે છે કે વિશ્વની સામે પોતાની વ્યવસ્થાને વિકસિત કરી છે. જીપીએસ સિસ્ટમ દ્વારા એનએવીઆઈસી નેવિગેશનની વ્યવસ્થા કરવામાં આપણે સફળ રહ્યા છીએ. આપણે એસએએઆરસી સેટેલાઈટ દ્વારા પાડોશી દેશોની સાથે મદદ કરવા સફળ અભિયાન કર્યું છે.
૧૦. દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીમાં ૭૦,૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને ખાલી લાલ કિલ્લા પર ૯,૧૦૦ પોલીસ જવાનોને તૈનાત કરાયા હતા.

નોટબંધી બાદ ૧.૭પ લાખ કરોડ રૂપિયા શકના ઘેરામાં : મોદી

વડાપ્રધાન મોદીએ નોટબંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે નોટબંધી બાદ બેંકોમાં જમા કરવામાં આવેલ પોણા બે લાખ કરોડથી વધુ રકમ શકના ઘેરામાં છે. આશરે બે લાખ કરોડ રૂપિયાથી વધારે કાળા નાણાં બેંકોમાં જમા થયા છે અને સરકારને આ રૂપિયા અંગે જવાબ આપવો પડશે. નવા કાળા નાણાં પર રોક લાગી ગઈ છે. આના પરિણામ હેઠળ ૧લી એપ્રિલથી પ ઓગસ્ટ સુધી ઈન્કમટેક્ષ રિટર્ન દાખલ કરનારા નવા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા પ૬ લાખ છે જે ગત વર્ષમાં માત્ર રર લાખ હતી જે બમણાંથી પણ વધારે છે અને આનું કારણ કાણા નાણા વિરૂદ્ધ અમારી લડાઈ છે.