મોસ્કો,તા. ૧૩
ફિફા ૨૦૧૮ની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે ત્યારે ૨૦૨૨માં આ ટુર્નામેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવશે જ્યારે વર્ષ ૨૦૨૬માં આનુ આયોજન હવે અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્તરીતે કરશે. આજે આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ૨૦૨૬માં આયોજિત ફિફા વર્લ્ડકપમાં ૪૮ ટીમો રમશે જ્યારે ૨૦૧૮ ફિફા વર્લ્ડકપમાં ૩૨ ટીમો રમી રહી છે. આજે અંતિમ બોલી લગાવવામાં આવી હતી. ત્યારબાદ ૧૫ મિનિટનો સમય રજૂઆત માટે આપવામાં આવ્યો હતો. ત્રિકોણીયરીતે સંયુક્ત યજમાન પદ આજે અમેરિકા, કેનેડા અને મેક્સિકો જીતી ગયા હતા. આજે ભારે મતદાન થયું હતું. ઉત્તર અમેરિકાને ૧૩૪ મત મળ્યા હતા જેમાંથી મોરોક્કો માટે ૬૫ મત પડ્યા હતા. ઉત્તર અમેરિકી દેશોએ પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે, ટુર્નામેન્ટથી ૧૧ અબજ ડોલરનો નફો થશે જ્યારે મોરોક્કો તરફથી આ આંકડો પાંચ અબજ ડોલરનો આંકવામાં આવ્યો હતો. આ રીતે ટુર્નામેન્ટની યજમાની નોર્થ અમેરિકી દેશોને મળી હતી. પ્રથમ વખત ત્રણ દેશો સંયુક્તરીતે આનુ આયોજન કરશે. ટુર્નામેન્ટમાં ૮૦ મેચો રમાશે જે પૈકી અમેરિકામાં ૬૦ મેચો, કેનેડા અને મેક્સિકોમાં ૧૦-૧૦ મેચો રમાશે. ફાઈનલ મેચ ન્યુજર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે જે નેશનલ ફુટબોલ લીગની ટીમ ન્યુયોર્ક અને ન્યુયોર્ક જેટ્‌સ માટે હોમગ્રાઉન્ડ છે. અત્રે નોંધનીય છે કે, ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે.