(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
સુરત વાયુ વાવાઝોડાની સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ગામોને પણ અસર થવાની સંભાવનાને લઈને વહીવટી તંત્રને એલર્ટ થઈ ગયું છે. સાથે ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં પણ સાવચેતીના પગલાં હાથ ધરી કુલ ૨૧ ગામના લોકોએ એલર્ટ રહેવા સાથે જરૂર પડ્યે સ્થળાંતર કરવાની કામગીરી કરવા અધિકારીને સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. ઓલપાડ પ્રાંત અને ટી.ડી.ઓને પણ રાત્રે હાજર રહેવા જણાવાયું છે. જ્યારે એનડીઆરએફ-એસઆરપીની ટીમ ઓલપાડ રવાના થઈ ગઈ છે અને દરિયા કિનારા નજીક ન જવાના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.
અરબી સમુદ્ર ઉદ્‌ભવેલું વાયુ વાવાઝોડું ધીમે-ધીમે પોતાનું જોેર પકડીને કાંઠાના ગામોમાં પોતાની તાકાત બતાવતા સરકારે વહીવટી તંત્રને એલર્ટ કરવા સાથે સાવચેતીના પગલાં હાથ ધર્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના ગામોને પણ તેની અસર થવાની સંભાવનાને પગલે ઓલપાડ પ્રાંત દ્વારા ઓલપાડ તાલુકાના કાંઠાનાંગામોની મુલાકાત લઈને વહીવટી તંત્રને સાવચેત કર્યું છે. જ્યારે અરબી સમુદ્રના કાંઠે આવેલા ઓલપાડ તાલુકાના ૨૧ ગામો કે જેને વાયુ વાવાઝોડાની અસર થાય તેમ હોય, આ ગામોના ૧૬૭૨ લોકોને ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરાવવાની કામગીરી કરવાના ભાગરૂપે તમામ ૧૨ શાળાના મુખ્ય શિક્ષકોને હેડ કવાર્ટર્સ ન છોડવા સૂચના આપવામાં આવી છે. સાથે તમામ ગામોના તલાટીઓની પણ રજા કેન્સલ કરવા સાથે અગાઉની સૂચના ન મળે ત્યાં સુધી ફરજ પર હાજર રહેવા કહેવાયું છે. સુરતમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. જ્યારે સુરત જિલ્લામાં સોનગઢ, વ્યારા, ઉનાઈમાં મંગળવારે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે ત્રણ જેટલા મોત પણ નીપજ્યા હતા. બારડોલીમાં વાવાઝોડાની અસર પાઠકવાડી, દોલવણ, કકડવા, પંચોલ સહિતના અનેક ગામડાઓમાં ઘરોના છાપરા ઉડી ગયા હતા, નળિયા અને કાચા ઘરના પતરાં ઉડતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. સુરતમાં વાયુ વાવાઝોડાની અસર નહીંવત જેવી છે. જો કે, વહીવટી તંત્ર સાબદુ બની ગયું છે. વાવાઝોડું આવે તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ સુરતમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે ઓલપાડના ૨૧ ગામોમાં એલર્ટના કારણે એનડીઆરએફ-એસઆરપીની ૩૨ અને ૮૪ની ટીમ રવાના થઈ ગઈ છે. સ્મીમેર હોસ્પિટલમાં ૩૦ બેડનો એક અલગ વોર્ડ તૈયાર રખાયો છે. સ્મીમેર સાથે નવી સિવિલ હોસ્પિટલમાં પણ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે ઇલેકટ્રીક કટર, પાવર કટર, હોડી, રેઇન જેકેટ સાથેના સાધનો ફાયર સ્ટેશન પર મૂકી દેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશનમાં એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે કાંટા વિસ્તારના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે વલસાડમાં તિથલ બીચ, સુરત જિલ્લામાં ડુમસ અને સુંવાલી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન વલસાડમાં તિથલનો દરિયો તોફાની બનતા ૧૦ ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને દરિયા નજીક ન જવાના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.