જૂનાગઢ, તા.૧૨
માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા પોલીસવડાને એક વિસ્તૃત પત્ર પાઠવી અને આરટીઆઈ એક્ટ નીચે વંથલીના પ્રજાજનો દ્વારા બંધના એલાન દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા થયેલ કાર્યવાહી તેમજ બળપ્રયોગના સંદર્ભે માહિતી અધિકારના કાયદા અંતર્ગત ર૧ મુદ્દાની માહિતી માંગી છે અને આ બાબતે તત્કાલ પ્રત્યુત્તર આપવા જણાવેલ છે. તાજેતરમાં ઓઝત નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાના વિરોધમાં વંથલીના પ્રજાજનો દ્વારા બંધનું એલાન આપવામાં આવેલ અને આ બંધ દરમિયાન જ ખેડૂત અગ્રણીનું અપહરણ તેમજ તેને ઢોરમાર મારવાના બનાવના સંદર્ભે લોકો રોષે ભરાયા હતા અને ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. આ ઉપરાંત પોલીસે લાઠીચાર્જ તેમજ નિર્દોષ લોકોને મારવાના બનાવો પણ બનવા પામ્યા હતા. ધારાસભ્ય જવાહર ચાવડા સહિતના અન્ય લોકોની અટકાયત અને તેમની સામે ગુના દાખલ થયા હતા તેમજ અન્ય લોકોની ત્યાં હાજરી હોવા છતાં તેમના સામે કોઈ પણ જાતની પોલીસે કાર્યવાહી કરી નથી. તેવું પણ બહાર આવેલ. આ દરમિયાન ધારાસભ્ય જવાહર ચાવડાએ ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા અને પોલીસની હાજરીવાળી જગ્યાએ જ આંદોલનકારીને મારમારવાનો બનાવ કયા સંજોગમાં બન્યો છે ? તે અંગે પણ શંકા પ્રેરે તેવી બાબત છે ત્યારે આ અંગે વધુ એક વખત સત્યના પારખાં અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ વડા પાસે ધારાસભ્યએ વિગતો માંગી છે. માહિતી અધિકાર કાયદા હેઠળ જવાહર ચાવડાએ વિગતો માંગી છે. જેમાં જણાવેલ છે કે, વંથલી ઓઝત નદીની લીઝ બાબતે અગાઉ વંથલી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ દરમિયાન આવેલ અરજીઓની ખરી નકલ આપવી તેમજ ઓઝત નદીની લીઝ બાબતે તકરારો થયેલ હોય તેવા બે વર્ષની એફઆઈઆરની નકલો આપવી. આ ઉપરાંત તા.૪/૬/૧૮ ઓઝત નદીની રેતીની લીઝ પોલીસ સ્ટેશન તરફથી જે કાંઈ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા વંથલી પોલીસને મેસેજ આપ્યા હોય તે અંગેની કોપી આ ઉપરાંત બંધ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને બળપ્રયોગ કરવામાં આવેલો તેમાં જનતા અને આંદોલનકારીઓને ઈજા પહોંચેલ છે ત્યારે બળપ્રયોગ માટે પૂર્વ મંજૂરી મેળવી હતી કે કેમ ? સહિતના મુદ્દા અંગે જૂનાગઢ જિલ્લા પોલીસવડા પાસેથી ધારાસભ્ય જવાહર ચાવડાએ રાઈટ ટુ ઈન્ફર્મેશન એકટ હેઠળ વિગતો માંગી છે.