ગાંધીનગર, તા.૧૮
ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્તરોત્તર નવી દિશા તય કરતી વાઈબ્રન્ટ સમિટની આજે શરૂ થયાના પ્રથમ દિવસે જ ધોલેરા એસઆઈઆરમાં પ્રથમ પ્રોજેકટરૂપે ર૧ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત ઉદ્‌ઘાટન સત્રમાં કરવામાં આવી હતી. ચીનની ટીન્સાન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શાંગે ધોલેરા એસઆઈઆરમાં વાર્ષિક ૪ લાખ ટન કેપેસિટીનો ભારતનો સૌથી મોટો એચઆર સ્ટીલ પ્લાન્ટ અને લિથિયમ આર્યન બેટરીના પ્રોજેકટમાં રૂા. ર૧ હજાર કરોડના રોકાણની ઘોષણા કરી હતી. આ પ્રોજેકટ ટીન્સાન તેના ભારતીય સહભાગી ઇસ્કોન ગ્રુપ સાથે મળીને સાકાર કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ મેગા પ્રોજેકટને કારણે ધોલેરા એસઆઈઆરનો બહુવિધ વિકાસ દહેજ અને હજીરાની પેટ્રન પર થશે એટલું જ નહીં, મોટાપાયે રોજગાર અવસર પણ મળશે અને અન્ય રોકાણોને પણ પ્રોત્સાહન મળશે. ધોલેરા એસઆઈઆર માટે ભારત સરકારે-ગુજરાત સરકારે એરપોર્ટ નિર્માણ તેમજ રૂા. ૩ હજાર કરોડના અંદાજિત ખર્ચે અમદાવાદ ધોલેરા વચ્ચે ૬ લેન એકસપ્રેસ-વે માટેના ટેન્ડર બહાર પાડયા છે. આ એસઆઈઆરમાં આંતરમાળખાકીય સુવિધા માટે પણ ૩ હજાર કરોડના કામો વિકાસના વિવિધ તબક્કે પ્રગતિમાં છે. આમ, ધોલેરાના એસઆઈઆર તરીકે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં વાઈબ્રન્ટ સમિટ એક સક્ષમ માધ્યમ બનશે.