(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩૦
૩૧ મી ડીસેમ્બરે નવા વર્ષનું સ્વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય છે. આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોવાથી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ડ્રાઇવ નું આયોજન કરી જીલ્લાના મહત્વના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હોય જે અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૯ થી આજરોજ તા.૩૦/૧૨/૨૦૧૯ ના ૨૪ કલાક દરમ્યાન કુલ ૨૨૬ કેસો કરવામાં આવેલ છે. જે પૈકી ૧૯૮ દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ૧ કેસ કરવામાં આવેલ છે તથા દારૂ બનાવવા માટેના આથાના ૩ કેસ,દેશી દારૂના ૨૪ કેસો કરવામાં આવેલ છે. ડ્રાઇવ દરમ્યાન કુલ કિં.રૂ.૩૫,૦૨૮/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.કુલ ૨૧૩ આરોપીઓ ને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.અને દારૂ પીને વાહન ચલાવતા ૧૩ વાહનો ચાલકો સામે ગુન્હો નોંધવામાં આવેલ હતો.