(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સીએએ-એનઆરસી અને એનપીઆરના વિરોધમાં સતત ૨૧મા દિવસે પણ અડીખમ રીતે બેઠેલી મહિલાઓએ અંતિમ શ્વાસ સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સુરતના લિંબાયત વિસ્તારના ઓમનગરમાં વિરોધ પ્રદર્શન પર બેઠેલી મહિલાઓએ ગઈકાલે ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં ભૂલકાઓએ પણ દેશવિરોધી કાયદાને ચિત્ર પર કંડારીને દેશભક્તિના અનોખા દર્શન કરાવ્યા હતા.
લિંબાયત વિસ્તારમાં છેલ્લાં ૨૧ દિવસથી સતત ધરણાં પ્રદર્શન યોજી રહેલી મહિલાઓને એસસી – એસટી અને ઓબીસી કાસ્ટની મહિલાઓનું પણ ભરપૂર સમર્થન સાંપડી રહ્યું છે. દૈનિકધોરણે અન્ય સમાજની મહિલાઓ પણ પ્રદર્શનમાં જોડાઈ રહી હોવાથી પ્રદર્શન સ્થળે અનોખી એકતાના દર્શન થઈ રહ્યાં છે. અહીં આખો દિવસ મહિલાઓને દેશભક્તિના પાઠ ભણાવવા માટે જુદા-જુદા વક્તાઓ આવતા રહે છે. મહિલાઓમાંથી પણ કેટલીક આગેવાનો સંવિધાનના પાઠ ભણાવીને શાંતિપૂર્વક રીતે પ્રદર્શનને આગળ ધપાવી રહી છે. અહીં સવારથી રાત્રિ સુધી ધરણાં સ્થળે ૩૦૦૦થી વધુ મહિલાઓ એકત્રિત થાય છે. આ પ્રદર્શન દરમિયાન બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ તેમજ મહિલાઓમાં જાગૃતિ કેળવાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ગઈકાલે સંવિધાન સુરક્ષા સમિતિ દ્વારા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ દેશની વાસ્તવિકતાને કાગળ પર કંડારી હતી. સમતા કલા મંચના કાર્યકર્તાઓએ ડફલી અને ઘુંઘરૂ જેવા મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટના સથવારે દેશભક્તિ અને શૌર્યના ગીતો રજુ કર્યા હતા. આ ગ્રુપના સભ્યો દેશના વિવિધ પ્રદર્શનસ્થળોએ જઈને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યું છે. સુરતના ગ્રુપ દ્વારા દિલ્હીસ્થિત શાહિનબાગ સહિત અનેક શહેરોમાં અનોખી શૈલી થકી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.