(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
ઇદ-ઉલ-અઝહાને લઇ હવે મૂંઝવણની સ્થિતિ સમાપ્ત થઇ ગઇ છે. પહેલા બકરી ઇદની તારીખ ૨૩ ગણાવાઇ હતી પણ હવે નક્કી થઇ ગયું છે કે, બકરી ઇદનો તહેવાર ૨૨ ઓગસ્ટે જ મનાવાશે. આ પહેલા ઇમરાતે શરીયા-હિંદ અને રુયત-એ-હિલાલ કમિટી સહિત અન્ય કમિટીઓએ ૨૨મી ઓગસ્ટે ઇદ-ઉલ-અઝહા મનાવવાની જાહેરાત કરી હતી પણ મરકઝી-એ-હિલાલ કમિટીએ તેની સાથે ન જોડાતા ૨૩મી ઓગસ્ટે બકરી ઇદ મનાવવાની ઘોષણા કરી હતી. ચાંદની ચોક ખાતેની ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તિ મુકર્રમ અહમદે કહ્યું કે, ૧૨મી ઓગસ્ટે દિલ્હીના આકાશમાં વાદળછાયા વાતાવરણને કારણે ચાંદ દેખાયો ન હતો. ૧૫મી ઓગસ્ટે ફતેહપુરી કદીમ-રુયત-એ-હિલાલ કમિટીની ફરી બેઠક થઇ હતી જેમાં દેશના અન્ય ભાગોમાં ચાંદ દેખાયાની ગવાહી આવી હતી. ત્યારબાદ ઇદ-ઉલ-અઝહાની તારીખ પર સહમતી સધાઇ હતી. મુફ્તિ મુકર્રમે કહ્યું કે, દેશભરમાં બકરી ઇદનો તહેવાર ૨૨મી ઓગસ્ટે મનાવાશે. આ પહેલા ઇમરાત-એ-શરીયા-હિંદ અને રુયત-એ-હિલાલ કમિટીએ રવિવારે નિવેદન જારી કરી કહ્યું હતું કે, દિલ્હીમાં ચાંદ દેખાયો નથી પણ ગુજરાત, મધ્યપ્રદેશ અને તમિલનાડુના ઘણા લોકોએ ચાંદ દેખાયાની ગવાહી આપી છે. તેથી તેમણે જાહેરાત કરી હતી કે, બકરી ઇદ ૨૨મી ઓગસ્ટે મનાવાશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં પણ ૨૨મી ઓગસ્ટે જ બકરી ઇદ મનાવાશે. ઉલ્લેખનીય છે કે, બકરી ઇદનો ચાંદ ૧૦ દિવસ પહેલા દેખાય છે, એવું પહેલીવાર થયું છે કે, બકરી ઈદને લઇ મુંઝવણની સ્થિતિ ઊભી થઇ હોય.