(એજન્સી) તા.ર૩
બુધવારે જ્યારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું અંતિમ સંસ્કાર થઈ રહ્યું હતું ત્યારે તેમને સેલ્યુટ આપતી વખતે પોલીસકર્મીઓની રર રાઈફલો એક સાથે ખોટકાઈ ગઈ હતી. સુપૌલ જિલ્લામાં આવેલા મિશ્રાના વતનમાં તેમનો અંતિમ સંસ્કાર થયો હતો. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી અને રાજ્યના સ્વાસ્થય મંત્રી મંગળ પાંડે હાજર હતા. અંતિમ સંસ્કાર સમયે પોલીસકર્મીઓએ તેમની રાઈફલો વડે મિશ્રાને સલામી આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની રાઈફલો ખોટકાઈ ગઈ હતી. પોલીસકર્મીઓએ વારંવાર ટ્રિગર દબાવી ગોળી છોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આર.જે.ડી.ના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્‌વીટ કર્યું હતું કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાના અંતિમ સંસ્કાર દરમ્યાન મુખ્યમંત્રી નીતિશકુમારની હાજરીમાં ર૧ બંદૂકોની સલામી આપવામાં આવી રહી હતી ત્યારે તેમાંથી એક પણ બંદૂક ન ચાલી. નીતિશની છેલ્લા ૧૪ વર્ષથી ગૃહમંત્રી છે પરંતુ આ ઘટના પર મૌન રહેશે. શું આ શરમજનક નથી.