અમદાવાદ, તા.૧પ
હાર્દિકની કથિત સેક્સ વીડિયો સીડી મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હાર્દિક પટેલના સમર્થનમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ખૂલ્લો પત્ર લખી ભાજપાને આડે હાથ લીધી છે. પત્રમાં જીજ્ઞેશ મેવાણીએ લખ્યું છે કે કોઈના બેડરૂમમાં કેમેરા ગોઠવવાની મેલી રાજનીતિ કરનારા ગુજરાતને કોઈ દિવસ ગૌરવવંંતુ નહીં બનાવી શકે પત્રની વિગતોમાં જઈએ તો હાર્દિક પટેલે ઘણા સમય અગાઉ કહેલું એમ એક ષડયંત્રના ભાગરૂપ તેની એક પછી એક કહેવાતી સીડીઓ બહાર આવી રહી છે. આજે ગુજરાત ભાજપની જે પ્રકારે ઘેટી ભરાઈ છે તે જોતાં આ પ્રકારની સેક્સ સીડી બહાર આવે તો આપણને કોઈ આશ્ચર્ય થવું જોઈએ નહીં. રાજનીતિ કઈ હદે નીચલા સ્તર ઉપર જઈ શકે છે એનો આ એક આંખ ઉઘાડી દેનારો દાખલો છે. ફક્ત ર૪ વર્ષના યુવાનના અવાજને દબાવી દેવા આખું તંત્ર કામે લાગે અને તેને રાજદ્રોહનો આરોપી બનાવવાથી લઈને તેની સેક્સ સીડી બહાર પાડવાના ષડયંત્રો કરવા પડે તે હાર્દિકના નહીં પણ હાર્દિકના વિરોધીઓના ચરિત્ર વિશે ઘણું કહી જાય છે. માત્ર પાટીદાર સમાજ નહીં. ગુજરાતની સાડા ૬ કરોડ જનતા જાણે છે કે આ પ્રકારના કાવતરાનો સીધો લાભ કોને મળી શકે છે. હું સ્પષ્ટપણે માનું છું કે, આ તમામ વીડિયોમાં જે દેખાય છે તે વ્યક્તિ હાર્દિક પટેલ નથી. મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ વીડિયોને એક ષડયંત્રના ભાગરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. પણ દલીલ ખાતર માનવામાં આવે કે આ વીડિયોમાં જે દેખાય છે તે હાર્દિક પટેલ જ છે તો પણ આપણે શી પંચાત ? આપણે નિસ્બત હોવી જોઈએ ગુજરાતના પ૦ લાખ એ નાગરિકો માટે જેની પાસે રોજગાર નથી. જે બાળકો કુપોષિત છે તે મુદ્દે જીએસટી અને નોટબંધીની મારનો ભોગ બનેલા લોકો વિશે અને લોક વિરોધી વિકાસ મોડેલ વિશે ચૂંટણી સમયે સરકારને પાસે પાંચ વર્ષનો હિસાબ માંગવાનો હોય. ચર્ચા એ મુદ્દે કરવાની હોય કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જે પ૦ લાખ મકાનો બાંધવાનું જે વચન આપ્યું હતું તેનું શું થયું ? શું થયું બેરોજગાર યુવાનોને દરવર્ષે ર કરોડ રોજગાર આપવાના વચનનું પણ આપણને હાર્દિક પટેલની તથા કથિત સેક્સ સીડીમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. કોઈ એક વ્યક્તિના અંગત જીવનને આ સ્વરૂપે જાહેરમાં બહાર લાવી આ દેશને શું હાંસલ થશે ? અને હાર્દિકના આ કહેવાતા વીડિયોમાં જે બહેન દેખાય છે એની ગરિમાનું શું ? રાજનીતિ ખાતર વીડિયોમાં દેખાતા કોઈ મહિલાની આહુતિ શા માટે લેવાવવી જોઈએ. કલ્પના કરો કે આપણા પરિવારની કોઈ મહિલાની અંગત પળોને આ રીતે જાહેર કરવામાં આવે તો ! શું આજ છે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું ગૌરવ ગુજરાતની સાડા ૬ કરોડ જનતાએ બરાબર એ સમજી લેવુંં જોઈએ કે જે લોકો રાજ્યની પોલીસ, સિનિયર આઈપીએસ અધિકારીઓ અને ગુપ્તચર વિભાગને કામે લગાડી એક ‘સાહેબ’ માટે એક મહિલાની જાસૂસી કરાવતા હોય તેજ લોકો બેડરૂમમાં કેમેરા ઘૂસાડવાની ગંદી રાજનીતિ પર ઉતરી શકે. નૈતિકતાનો ઉપદેશ આપનારા આજ લોકોની નલિયાકાંડમાં અને પાટણના પીટીસી કાંડમાં આપણે ભૂમિકા જોઈ ચૂક્યા છીએ. જો રર વર્ષમાં ડંફાસો મારવાને બદલે સરખું શાસન કર્યું હોત તે લોકોના બેડરૂમમાં જઈને કેમેરા ફિટ કરવાનો વારો ના આવ્યો હોત. હાર્દિક પટેલ સાથે મારે અને મારી સાથે હાર્દિકને એકથી વધુ મુદ્દે મતભેદ હોઈ શકે છે. પણ આ પ્રમાણે કોઈને બીલો ધી બેલ્ટ મારવાની રીતનો હું સખત વિરોધી છું. અને હાર્દિકને જાહેરમાં સમર્થન આપું છું કે, ફક્ત હું જ નહીં. હજ્જારો દલિત યુવાનો પણ આ મુદ્દે તારી સાથે છે. તારા માતા-પિતાને પણ જાહેરમાં કહું છું કે, તમે જરીક પણ ક્ષોભ ના અનુભવતા. બલ્કેે, એક લડાકુ મિજાજના યુવાનના મા-બાપ તરીકે ગૌરવ લેજો. અને ગુજરાતની જનતાને એટલું ચોક્કસપણે કહીશ કે આપણે નાગરિકોએ એ બરાબર સમજી લેવાની જરૂર છે કે જે લોકો કોઈના બેડરૂમમાં કેમેરા ગોઠવવાની મેલી રાજનીતિ કરી રહ્યા છે તે ગુજરાતને કોઈ દિવસ ગૌરવવંતુ નહીં બનાવી શકે.