જામનગર,તા.ર૦
જામનગર મહાપાલિકાના નિંભરતંત્રના પાપે ઢોર ડબ્બામાં પૂરવામાં આવતા પશુઓ કમોતે મરી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહિરે રણજીતસાગર રોડ પર મહાનગરપાલિકાના ઢોર ડબ્બાની મુલાકાત લઈ વિગતો મેળવતા આઘાતજનક આંકડાઓ મળ્યા હતાં. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા સાત મહિનામાં જ ઢોર ડબ્બામાં રર૦ પશુઓના મૃત્યુ નિપજ્યા હતાં.
ઢોર ડબ્બાના રજિસ્ટરની તપાસ કરતા દરરોજ પાંચથી છ પશુઓના મૃત્યુ થાય છે. ચાલુ ઓગસ્ટ માસમાં જ તા.૧૭મી સુધીના સત્તર દિવસમાં શહેરમાંથી પકડીને ઢોર ડબ્બે મૂકવામાં આવેલા ૧૧પ ઢોરમાંથી ૩૪ ઢોરના મોત નિપજ્યા છે.
કોંગી કોર્પોરેટર દેવશીભાઈએ સ્થળ નિરીક્ષણ કર્યા પછી ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ ઢોર ડબ્બામાં સ્વચ્છતાનો સદંતર અભાવ છે. તેમજ ઢોરને પૂરતો ખોરાક આપવામાં આવતો નથી. ઢોર ડબ્બામાં દરેક પશુને દરરોજ ર૦ કિલો ચારો આપવાનો હોય છે, ઢોરના ડોક્ટર અહીં નિયમિત વિઝીટ કરતા નથી. આમ સ્વચ્છતાનો અભાવ, અપૂરતો ખોરાક વગેરેના કારણે ઢોર ડબ્બામાં નિર્દોષ અબોલ જીવ ટપોટપ મરી રહ્યા છે, તેમ છતાં જવાબદાર તંત્રનું કે સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી.
તેમણે મ્યુનિ. કમિશનર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરીને આ વિભાગના જવાબદારોની બેદરકારી અંગે કડકમાં કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે.