(એજન્સી)
અગરતલા, તા.૩૦
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં બાળક ઉઠાંતરીની શંકામાં ટોળા દ્વારા હત્યા કરાયેલ બે શખ્સ પૈકીાનો એક ત્રિપુરા ઈન્ફોર્મેશન એન્ડ કલ્ચર વિભાગ દ્વારા અફવાઓ સામે જાગૃરૂકતા ફેલાવવા માટે નિમાયેલ કાર્યકર્તા હતો. એમ ર૯ જૂનના રોજ પોલીસે જણાવ્યું હતું. એઆઈજી સ્મૃતિ રંજને જણાવ્યું કે, દક્ષિણ ત્રિપુરા જિલ્લાના કાલાછરામાં ર૮ જૂનના રોજ બાળક ઉઠાંતરીની શંકામાં ટોળાએ ૩૩ વર્ષીય સુકાની ચક્રવર્તીની હત્યા કરી હતી. ચક્રવર્તી રાજ્ય માહિતી તેમજ સંસ્કૃતિ મામલા વિભાગની એક ટીમનો સભ્ય હતો જે અફવાઓ વિરૂદ્ધ પ્રચાર કરતો હતો. તેમને લોકોને અફવાઓ અંગે જાગૃત કરવા વિભાગ દ્વારા ભાડે લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, ચક્રવર્તી ટીમ સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યાઓની ઘટનાને લક્ષમાં લઈ ત્રિપુરા ડીજીપી એ.કે.શુકલાને બરતરફ કરવામાં આવ્યા હતા અને ઈન્ટરનેટ સેવાઓ ર૪ કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી. ટોળા દ્વારા હત્યા કરાયેલ એક અન્ય મામલો સિપાહીજાલા જિલ્લાના બિશાલગઢમાં ર૮ જૂનના રોજ બન્યો હતો. એક અજાણી મહિલાની હત્યા કરવામાં આવી જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ટોળા દ્વારા મહિલાના વાહનનો પીછો કરવામાં આવ્યો હતો. અન્ય કેસમાં પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના મુરબારીમાં ર૮ જૂનના રોજ બાળક ઉઠાંતરીની શંકામાં ટોળાએ ફેરિયા પર હુમલો કર્યો હતો અને અન્ય બેને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. મુખ્યમંત્રી બિપલવ દેબે લોકોને શાંતિ જાળવવા અને રાજ્યમાં કોઈપણ બાળક ઉઠાવગીર નહીં હોવાનું જણાવ્યું હતું તેમણે રાજ્યના છબિ ખરડવા માટે સીપીઆઈ(એમ)ના ટ્રેનરો દ્વારા કાવતરું હોવાનો આરોપ મૂકયો હતો.