Ahmedabad

મારા ઘરેથી ર૪ કલાક માટે પોલીસ હટાવી દો, ઝાડ ઉપર પણ લોકો દેખાશે

અમદાવાદ, તા.ર૭
પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ઉપવાસના ત્રીજા દિવસે સરકાર સામે પડકાર ફેંકતા એફબી લાઈવ કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, મારા ઘર પાસેથી માત્ર ર૪ કલાક માટે ખાલી પોલીસને હટાવી દો તો પક્ષી વૃક્ષની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર ૨૪ કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે. હાર્દિકે બીજેપી પર દમન કરવાનો આરોપ મુકતા આગળ કહ્યું કે, બીજેપી પાસે કોઈ અપેક્ષા હોય શકે નહીં, સરકાર પાસે અપેક્ષા હોય શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારુ આવી શકે નહીં. હું બીજેપીના નેતાઓને પણ આવવા માટે આહવાન કરું છુ, કે તેઓ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે. અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે. એમ જણાવી હાર્દિકે જો પોલીસ હટાવી લેવામાં આવે તો પોતાના ઘરની આસપાસના વૃક્ષો પર પણ માણસો જોવા મળશે એટલા લોકો આંદોલનને ટેકો આપવા આવી ચડશે. આમ જણાવી હાર્દિકે સરકારને ઉપવાસ આંદોલન સફળ જ છે તેવો આડકતરો ઈશારો પણ કર્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

રામોલ તોડફોડ કેસમાં : હાર્દિકને રાહત : જામીન રદ કરવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદ, તા.ર૭
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર એક તરફ આમરણાંત ઉપવાસ પર છે ત્યારે સરકાર દ્વારા કડકાઈથી પગલાં ભરાયા છે. જો કે આ બધાની વચ્ચે રામોલમાં કોર્પોરેટરના ઘરમાં તોડફોડ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિકને રાહત આપી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે હાર્દિકને રાહત મળી છે. રામોલમાં કોર્પોરેટરના ઘરમાં તોડફોડ કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. આ મામલે કોર્ટે હાર્દિકને જામીન આપ્યા હતા. તેના જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે આ અરજીને નકારી દીધી છે. આ સાથે રામોલની હદમાં હાર્દિકને પ્રવેશવા પર લાગેલો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે આજના કોર્ટના ચુકાદા પર તમામની નજર હતી. કેમ કે હાર્દિક તેના ઘરે ઉપવાસ પર બેઠો છે ત્યારે સવાલ હતો કે શું હાર્દિક જેલમાં ઉપવાસ કરશે. પરંતુ કોર્ટે હાર્દિકને રાહત આપી હતી.