મેક્સિકો,તા.૬
ઉત્તર અમેરિકાના મેક્સિકોના ટુલટેપીક શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં સવારના ૯-૩૦ કલાકે ગન પાઉડર વિભાગમાં એક વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ એકાએક અનેક વિસ્ફોટ થયા, જેમાં ૨૪થી વધુ લોકોનાં મોત થયાં છે. મેક્સિકોના લોકલ સમાચાર ગ્રૂપ દ્વારા મળતી માહિતી અનુસાર ૪૯થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
આ અંગે મેક્સિકો પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ થવાનું કારણ ગન પાઉડર ભરેલા વેર હાઉસમાં લાગેલી અચાનક આગ હોવાનું સામે આવ્યું છે. હાલમાં આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની અનેક ટીમ કામ કરી રહી છે. આ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા લોકોનેે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોનું ટુલટેપીક શહેર ભારતના શિવાકાસીની જેમ ફટાકડાનું ઉત્પાદન કરતું મહત્ત્વનું શહેર ગણાય છે. મેક્સિકોમાં આવેલા ટુલટેપીકમાં દરેક ઘરમાં ફટાકડા બનાવવાનો બિઝનેસ ચાલે છે, જેમાં આ શહેરના અનેક લોકો હાથથી ફટાકડા બનાવવાનો ધંધો કરે છે. આ શહેરમાં વસતા લોકોનો પારંપરિક ધંધો હાથથી ફટાકડા બનાવવાનો જ છે. થોડા સમય પહેલાં પણ આવી જ ઘટના આ શહેરમાં બની હતી, જેમાં ૭થી વધારે લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને સૌપ્રથમ નિહાળનારા અલોન્દ્રા પેરેઝે જણાવ્યું હતું કે હું જ્યારે બ્રેકફાસ્ટ કરતો હતો ત્યારે અચાનક વિસ્ફોટો સંભળાતાં હું ઘર બહાર દોડી આવ્યો હતો. આ ઘટનામાં જે લોકોનાં મોત થયાં છે તેમાં ફાયર બ્રિગેડના ચાર કર્મચારી તેમજ બે પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે.