(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૪
જૂનાગઢ તાલુકામાંથી પસાર થતી ઉબેણ નદીમાં કેમિકલ્સયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના કારણે ખેડૂતોની જમીન ખરાબ થાય છે તેમજ લોકોના આરોગ્ય ઉપર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આ પાણી છોડાતું બંધ કરવાની માગણી સાથે આવતીકાલે ઝાલણસર ગામે આસપાસના રપ ગામના લોકો ધરણા કરનાર હોવાનું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી.સીડાએ જણાવ્યું હતું.
જેતપુર ખાતે આવેલી ડાંઈગના સંચાલકો અને માલિકો દ્વારા કેમિકલ્સયુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે અને જે અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી કે સાડી ધોવાના ઘાટ તોડી પડાયા નથી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ પગલાં લીધા નથી. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી.સીડાએ જણાવ્યું હતું કે આ કેમિકલ્સયુક્ત પાણીના કારણે ઝાલણસર સહિત આસપાસના સંખ્યાબંધ ગામોના ખેડૂતોની જમીનને ગંભીર અસર પહોંચે છે. એટલું જ નહીં લોકોના આરોગ્ય ઉપર તેમજ પશુ-પક્ષીઓના આરોગ્ય ઉપર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લેવાની માગણી સાથે આંદોલન કરવામાં આવશે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને ડાંઈગના સંચાલકોને ફિલ્ટરયુક્ત પાણી છોડવા માટે જણાવેલ છે તેમ છતાં તેઓ કેમિકલ્સયુક્ત પાણી ઉબેણ નદીમાં ઠાલવે છે જેના વિરોધમાં આવતીકાલે ઝાલણસર બસ સ્ટેન્ડ ખાતે ઝાલણસર સહિત ર૦થી રપ ગામોના લોકો સવારના ૮ વાગ્યાથી આંદોલન કરશે તેમ વી.ટી. સીડાએ જણાવ્યું હતું.