અમદાવાદ, તા.૮
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે થોડા દિવસ પહેલાં રૂટીન ચેકીંગ દરમ્યાન નંબર પ્લેટ અને યોગ્ય દસ્તાવેજો વિનાની પોર્શે, રેન્જ રોવર, મર્સીડીઝ, ફોર્ચ્યુનર સહિતની કેટલીક વૈભવી કારો ડિટેઇન કરી હતી. જેના અનુસંધાનમાં રૂ.૨.૧૮ કરોડની કિંમતની પોર્શે કાર પાસેથી અમદાવાદ આરટીઓએ દેશનો સૌથી મોટો અને આકરો દંડ એટલે કે, રૂ.૨૭.૬૮ લાખનો દંડ વસૂલ કરતાં શહેર સહિત રાજયભરમાં અને દેશભરમાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને શહેરના વૈભવી કારચાલકોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ટૂંકમાં પોર્શે કારના માલિક પાસેથી એક ટુબીએચકે ફલેટ આવી જાય તેટલી રૂ.૨૭.૬૮ લાખ રકમનો દંડ વસૂલવામાં આવતાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. અગાઉ ગત તા.૨૯ નવેમ્બરના રોજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના હેલ્મેટ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં રૂટીન ચેકીંગ કામગીરી હાથ ધરાઇ રહી હતી ત્યારે હેલ્મેટ સર્કલ પાસેથી પોલીસે રૂ.૨.૧૮ કરોડની પોર્શે(૯૧૧) કાર ડિટેઈન કરી હતી. આ કારમાં નંબર પ્લેટ અને વેલીડ ડોક્યુમેન્ટ્‌સ નહી હોવાથી પોલીસે કાર ડિટેઈન કરી હતી. ત્યારબાદ આજે અમદાવાદ આરટીઓએ કારમાલિકને રોડ ટેક્સ પેટે રૂ.૧૬ લાખ જ્યારે દંડના વ્યાજ પેટે રૂ. ૭ લાખ ૬૮ હજાર અને રૂ.૪ લાખ પેનલ્ટી મળીને રૂ. ૨૭ લાખ ૬૮ હજારનો દંડ ફટકાર્યો હતો. પોલીસના દાવા મુજબ, અમદાવાદ આરટીઓમાં પોર્શે કારના માલિક પાસેથી રૂ.૨૭.૬૮ લાખનો દેશમાં સૌથી મોટો દંડ વસૂલવામાં આવ્યો છે.