(એજન્સી) તા.૧૬
સઉદી અરેબિયા અને ઈરાકે તાજેતરમાં જાહેરાત કરી છે કે, વેપાર કરવાના ઉદ્દેશ્ય સાથે બંને દેશો ર૭ વર્ષ બાદ બંને દેશોની સરહદ ફરી ખુલ્લે મૂકશે. ઈરાકના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત અનબારના ગવર્નર સોહેબ-અલ-રાવીએ સઉદીના અધિકારીઓ સાથે બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અરાર સરહદને ર૭ વર્ષો બાદ ફરી ખુલ્લી મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે જેનો લાભ ઈરાક અને સઉદી અરબ એમ બંને દેશોને મળશે. તમને જણાવી દઈએ કે ૧૯૯૦માં ઈરાકના સરમુખ્ત્યાર સદ્દામ હુસૈનના સમયકાળથી બંને દેશો વચ્ચેના સંબંધો અને વેપાર અટકાવી ગયા હતા. રાવીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે આ એક મહાન શરૂઆત છે જેનાથી ભવિષ્યમાં ઈરાક અને સઉદી અરબ વચ્ચે સહયોગ વધશે. તેમણે કહ્યું કે અરાર સરહદની સુરક્ષા કરવા માટે ઇરાક સરકાર દ્વારા સૈનિકો પણ તૈનાત કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આઈએસના આતંકીઓ દ્વારા અનબાર પ્રાંતમાં ભારે હાહાકાર મચાવાયો હતો. આ રણવિસ્તારમાંથી મોટાભાગના આતંકીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે જો કે હજુ પણ નાના મોટા હુમલાઓ થતા રહે છે. જો કે અરાર સરહદને હવે ખુલ્લી મૂકવામાં આવશે તો ત્યાં ટ્રાફિક વધશે તેની ખાતરી છે અને આ જ કારણે આતંકી હુમલા પણ વધશે એવી આશંકા છે. આ જાહેરાત ત્યારે કરવામાં આવી હતી જ્યારે સરકારોએ ઈરાકી ધાર્મિક શ્રદ્ધાળુઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ લોકો ર૭ વર્ષથી પવિત્ર હજયાત્રા માટે આ સરહદનો ઉપયોગ કરે છે. જો કે આ નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો જ્યારે સઉદી કેબિનેટ દ્વારા ઈરાક સાથે એક સંયુક્ત ટ્રેડ કમિશનની રચના કરવામાં આવી હતી. જો કે આ એક વધુ સકારાત્મક સંકેત છે કે સઉદી અરબ બગદાદ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. જો કે આ સંકેતોની શરૂઆત ર૦૧પથી જ થઈ ગઈ હતી જ્યારે સઉદી અરબે બગદાદમાં આવેલી તેની એમ્બેસીને ફરી ખુલ્લી મૂકી હતી. જો કે આ એમ્બેસી પણ રપ વર્ષો બાદ ખુલ્લી મૂકવામાં આવી હતી.