(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૦
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી પટેલ વાડી શેરી નં.૧માં એક મકાનમાં લાંબા સમયથી જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનીટરીંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત અઠ્ઠયાવીસ શખ્સો ઝડપાયા છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી પટેલવાડીના ખૂણા પર નથુ બેલા આહિરના મકાનમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની ટૂકડી-સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા ગઈકાલે સાંજે આ ટૂકડી બે વાહનોમાં જામનગર ધસી આવી હતી. આ ટૂકડીએ નથુ બેલા આહિરના મકાનમાં દરોડો પાડતા તે સ્થળેથી અઠ્ઠયાવીસ શખ્સો જુદા જુદા પાટલાઓ પર જુગાર રમતા મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસને અજાણ રાખી પાડવામાં આવેલા આ દરોડાના અહેવાલ લાકડિયા તારની માફક ફરી વળતા મકાન પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઉપરોક્ત ગુન્હો સિટી-બી ડિવિઝનના ઈન્વે. પીએસઆઈ ડી.જી. ચૌધરીએ ગુનો નોંધ્યો છે.
જુગારના દરોડા પછી સિટી ‘બી’ના પીઆઈ સસ્પેન્ડ
જામનગર શહેરમાં ચકચાર જગાવનાર આ જુગારના દરોડામાં જે વિસ્તારમાં તે મકાન આવેલું છે તે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.પી. જોષીને સસ્પેન્ડ કરવાનો આજે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલે હુકમ કર્યો છે.