હેમિલ્ટન,તા.૧૫
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ-૧૧ સામેની પ્રેક્ટિસ મેચમાં હેમિલ્ટન ખાતે મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ દાવમાં ૨૬૩ રન કર્યા પછી ભારતે યજમાનને ૨૩૫ રનમાં ઓલઆઉટ કર્યું હતું. ન્યૂઝીલેન્ડ-૧૧ની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હતી અને તેમના માટે ટોમ બ્રુસ(૩૧) અને હેનરી કૂપર(૪૦) સિવાય અન્ય કોઈ જોડી ૫૦ રનની ભાગીદારી કરી શકી નહોતી. ભારત માટે મોહમ્મદ શમીએ ૩ વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ ૨-૨ વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈશ સોઢીને આઉટ કરીને ન્યૂઝીલેન્ડ-૧૧ની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ૨૮ રનની લીડ મેળવ્યા પછી ભારતીય ઓપનર્સે બીજી ઇનિંગ્સમાં શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે ભારતે માત્ર ૭ ઓવરમાં ૫૯ રન કર્યા છે. પૃથ્વી શોએ ૨૫ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સ થકી ૩૫ રન અને મયંક અગ્રવાલે ૧૭ બોલમાં ૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૩ રન કર્યા છે. અંતિમ દિવસે ભારતીય બેટ્‌સમેન ક્રિઝ પર વધુ સમય પસાર કરવાના ધ્યેયથી મેદાને ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૨ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ૨૧ ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.